ગોધરાના પરવડી ગામની જમીન મામલે કોર્ટે 11 સામે ક્રીમીનલ કેસ રજિસ્ટર કર્યો

ગોધરાના પરવડી ગામે આવેલી જમીનના માલીક ન હોવા છતાં 4 ઇસમોએ જમીનનો દસ્તાવેજ ગોધરા શહેરના 4 નામાકીત વ્યક્તિઓને કરતા કોર્ટમાં ફરીયાદ નોધવાની અરજી કરવામાં આવતા કોર્ટે બે સાક્ષીઓ સહિત 11 સામે ક્રીમીનલ કેસ રજીસ્ટર કરીને કાર્યવાહી કરવાનો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

કાલોલના વેજલપુર ખાતે રહેતા નુરુદ્દીન કમરૂદ્દીન કાઝીની વડીલો પાર્જીત જમીન ગોધરાના પરવડી ખાતે આવેલી હતી. એમપીના જાબુઆના ઝફરહસન સૈયદ, મોહમદ સૈયદ, હમીદ સૈયદ તથા ઝીયા સૈયદનાઓ આ જમીનના માલીક ન હોવા છતાં અને રેવેન્યુ રેકર્ડ પર અગાઉના હુકમની નોંધ હોવા છતાં પરવડીના રે.સ નં 135-136ની 31 એકર 31 ગુંઠા જમીનનો દસ્તાવેજ વર્ષ 2010 માં ચંદ્રેશ રોશનલાલ જૈન, મુકેશ ધનરાજ મંગલાણી, કમલેશ ધનરાજ મંગાલાણી તથા મૃતક ચુનીલાલ પારૂમલ ધારસીયાણીને કર્યો હતો.

જમીનનો કબજેદાર ઉદેસિંહ સવાભાઇ પગી તથા દસ્તાવેજમાં સાક્ષી તરીકે અતુલ પટેલ અને સલીમખાન પઠાણે સહી કરી હતી. આ અંગે અરજદાર નુરુદ્દીન કાઝીએ પંચમહાલ ચીફ જયુ.કોર્ટમાં આ તમામ સામે ઇન્કવારી ફરીયાદ નોંધવાની અરજી કરવામાં આવી હતી. જે કોર્ટમાં અરજી ચાલી જતાં તમામ અગાઉના હુકમ અને પુરાવાના આધારે કોર્ટે 11 સામે 465, 467, 468, 471, 120( બી), 114 મુજબનો ગુનો ક્રીમીનલ કેસ નંબર રજીસ્ટર કરીને તમામ 11 આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવાનો સમન્સ કરવાનો હુકમ સાથે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને કેસની આગળની કાર્યવાહી કરવાનો પણ હુકમ કર્યો છે.