બેંગલુરુમાં AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા બાદથી જ #MenToo અને #JusticeForAtulSubhash આંદોલન સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ ઘટનાથી સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ કેસમાં અત્યારસુધી ચાર લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. FIRમાં અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ સિંઘાનિયા અને કાકા-સસરા સુશીલ સિંઘાનિયાનાં નામ છે.
અતુલના ભાઈ વિકાસ કુમારે બેંગલુરુના મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એના આધારે પોલીસે ભારતીય ન્યાયસંહિતા (BNS)ની કલમ 108 (આત્મહત્યા માટે ઉશ્કેરણી), કલમ 3(5) (બે કે તેથી વધુ લોકો સામેલ હોય ત્યારે સામૂહિક જવાબદારી ઊભી થાય છે) હેઠળ કેસ નોંધ્યો છે. અતુલે 1 કલાક 20 મિનિટનો વીડિયો જાહેર કર્યો હતો. આમાં તેણે પોતાની આપવીતી જણાવી હતી. અતુલે એવી પણ માગણી કરી હતી કે જો તેને ત્રાસ આપનારાઓને નિર્દોષ જાહેર કરવામાં આવે તો તેનાં અસ્થિને કોર્ટની બહાર ગટરમાં ફેંકી દેવી જોઈએ.
સોશિયલ મીડિયા પર #MenToo ટ્રેડિંગમાં અતુલ સુભાષના મૃત્યુ બાદથી જ #MenToo અને #JusticeForAtulSubhash આંદોલન સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ ઘટનાથી સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નેટીઝન્સે કાનૂની અને ન્યાયિક પ્રણાલીની ટીકા કરી છે, ટ્વિટર પર એક યુઝરેએ લખ્યું છે કે “ભારતમાં પુરુષ બનવું એક ગુનો છે.” અન્ય એક યુઝરે કહ્યું છે કે પ્રામાણિકતાથી કહું તો આપણી ન્યાયપ્રણાલી ઘણી ખરાબ છે. કાર્યકર્તા ચંદન મિશ્રાએ લખ્યું છે કે પુરુષો ઘણીવાર જવાબદારીઓના બોજ હેઠળ ચૂપચાપ સહન કરે છે, તેમ છતાં તેમનો સંઘર્ષ અદૃશ્ય રહે છે.
અતુલ સુભાષના આપઘાતથી સોશિયલ મીડિયાથી લઈને વિવિધ જગ્યાએ લોકો આ પ્રકારનાં મોત પર સવાલ ઉઠાવી રહ્યા છે. પુરુષ આયોગની માગ કરવામાં આવી રહી છે ત્યારે NCRB ડેટા પણ રાખવામાં આવી રહ્યા છે. એડવોકેટ મહેશ કુમાર તિવારીએ દાખલ કરેલી અરજીમાં ભારતમાં આકસ્મિક મૃત્યુ અંગે 2021માં જાહેર નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના ડેટાને ટાંકવામાં આવ્યો હતો. દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021માં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારાઓમાં 81,063 પરિણીત પુરુષો હતા. આ સમયગાળા દરમિયાન 28,680 પરિણીત મહિલાઓએ આત્મહત્યા કરી છે. પરિણીત પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે.
રૂમમાંથી એક પ્લેકાર્ડ મળ્યું, જેમાં લખ્યું હતું – ન્યાય હજુ બાકી છે
અતુલે ઉત્તરપ્રદેશના જૌનપુરના જજ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે પોતાના પત્રમાં લખ્યું છે કે ન્યાયાધીશે કેસને શાંત પાડવાના નામે 5 લાખ રૂપિયા માગ્યા હતા. અતુલે એમ પણ લખ્યું છે કે તેની પત્ની અને સાસુએ તેને આત્મહત્યા કરવાનું કહ્યું હતું અને આ સાંભળીને જજ હસ્યા હતા.
મૂળ બિહારના અતુલ સુભાષનો મૃતદેહ બેંગલુરુના મંજુનાથ લેઆઉટમાં તેમના ફ્લેટમાંથી મળ્યો હતો. જ્યારે પાડોશીઓએ તેના ઘરનો દરવાજો તોડ્યો તો તેની લાશ લટકતી મળી આવી હતી. રૂમમાંથી ‘જસ્ટિસ ઇઝ ડ્યૂ’ લખેલું પ્લેકાર્ડ મળ્યું હતું. અતુલના પરિવારની ફરિયાદના આધારે પોલીસે અતુલની પત્ની અને તેની પત્નીના પરિવાર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે.
અતુલે પોતાના પત્રમાં રાષ્ટ્રપતિને એક નોંધ પણ લખી
અતુલ સુભાષે 24 પાનાંના પત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર પણ લખ્યો છે, જેમાં તેણે દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની ખામીઓ વિશે લખ્યું હતું અને પુરુષો વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવાના ટ્રેન્ડ વિશે વાત કરી હતી. બીજી નોંધમાં તેણે લખ્યું છે કે તે તેની પત્ની દ્વારા દાખલ કરાયેલા તમામ કેસોમાં નિર્દોષ હોવાની દલીલ કરી રહ્યો છે, જેમાં દહેજવિરોધી કાયદો અને મહિલાઓ પર અત્યાચારના કેસનો સમાવેશ થાય છે. તેણે કહ્યું છે કે હું કોર્ટને વિનંતી કરું છું કે આ ખોટા કેસોમાં મારાં માતા-પિતા અને ભાઈને હેરાન કરવાનું બંધ કરે.