દાહોદમાં નકલી તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ:ખરેડી GIDCમાં ખાદ્યતેલના પાઉચ, ડબ્બા તથા બોટલો સાથે શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો મળ્યો, ₹15.45 લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ તાલુકાના ખરેડી જીઆઇડીસીમાં ખાનગી માલિકીના એક પ્લોટમાં ધમધમતા ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલા ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના રૂપિયા 1,17,309/- ઉપરાંતની કિંમતના ખાદ્યતેલના પાઉચ, ડબ્બોઓ તથા બોટલો તેમજ શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા 15,45,290/-ની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ SOG પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ જિલ્લામાં નકલી કચેરી, એન.એના નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલીન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્‌યું છે. દાહોદ શહેરના ગોદી રોડ, ઉકરડી રોડ પર નૂર મહોલ્લા ખાતે રહેતા મૂરતુજાભાઈ કુત્બુદ્દીન ઝાબુઆવાલાની માલિકીના ખરેડી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 525 માં ચાલતી ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી મા શંકાસ્પદ પામોલીન તેલનું કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરી પાઉચ, કેન તથા બોટલોમાં ભરી તેના પર ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ માટે મોકલતા હોવાનું મોટાપાયે રેકેટ ચાલતું હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસ.ઓ.જી પોલીસને મળી હતી.

જે બાતમીના આધારે દાહોદ એસ.ઓ.જી પોલીસની ટીમ ગતરોજ બપોરના 12:00 વાગ્યાની આસપાસ બાતમીમાં દર્શાવેલ ખરેડી જીઆઇડીસીમાં આવેલ ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ઓચિંતો છાપો માર્યો હતો. અને કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલ ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ નંગ. 456, તથા પતરાના તેલના ડબ્બા નંગ 100, તેમજ બોટલ નંગ 24 મળી કુલ રૂપિયા 1,17,200/-ની કિંમતનો તેલનો જથ્થો તેમજ અલગ અલગ 17 જેટલી બ્રાન્ડના કુલ સ્ટીકરો નંગ 425 તેમજ સ્થળ પરથી GJ.20.AT.2198 નંબરની છોટા હાથી ગાડી માંથી રૂપિયા 27,090/-ની કુલ કિંમતના 15 કિલોના 104 જેટલા ડબ્બા ભરેલ 1505 કિલોગ્રામ શંકાસ્પદ પામોલીન તેલ (વેસ્ટ ઓઇલ), તથા કાચા બિલ નંગ. 2 તથા ખાલી બેરલ નંગ-05 તેમજ 25 હજાર લીટરના ટાંકામાં આશરે રૂપિયા 12 લાખની કિંમતનું 10,000/- લીટર પામોલીન તેલ તેમજ રૂપિયા 2 લાખ ની કિંમતની છોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા 15,45,290/-નો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડી કબજે લીધો હતો. અને ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.