‘પતિ, પત્ની ઓર વો’ની કહાનીનો કરુણ અંજામ:કિશને પત્ની અને પ્રેમીકાને હાથ જોડી વિનંતી કરી હતી ‘જો તમે ઝગડવાનું બંધ નહીં કરો તો હું મરી જઈશ’

ગોંડલમાં કોઈ ફિલ્મી કહાની જેવી ઘટના સામે આવી હતી. પતિના અન્ય મહિલા સાથેના પ્રેમસંબંધથી કંટાળીને પત્નીએ પતિ પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. પતિ કિશને પત્ની અને પ્રેમીકાને હાથ જોડી વિનંતી કરી હતી કે, જો તમે બંને ઝગડવાનું બંધ નહીં કરો તો હું મરી જઈશ. જો કે ‘મેરા પતિ સિર્ફ મેરા હે’ના અધિકાર ભાવ સાથે ઝનુની બનેલી જીજ્ઞાએ વાડીમાં પડેલો પાવડો ઉપાડી જલ્પા પાછળ દોટ મુકી હતી. આ દૃશ્ય જોઈ ગભરાયેલો કિશન વાડીએથી નાશી છૂટ્યો હતો.

ત્યારે 7 ડિસેમ્બરે થયેલી હત્યાના બનાવમાં આરોપી મહિલાને આજે ગોંડલ કોર્ટમાં હાજર કરાઈ હતી, જ્યાં કોર્ટે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. આમ ‘પતિ, પત્ની ઓર વો’ની કહાનીનો કરુણ અંજામ આવ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્રેમસંબંધ બંધાયો મૃતક જલ્પા અને પરણીત કિશનને ઇન્સ્ટાગ્રામ દ્વારા પરીચય થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. બન્ને પ્રેમી પંખીડા થોડાં સમય પહેલાં નાશી છૂટ્યા હતા, પણ પોલીસ ફરિયાદ થતાં ગોંડલ પોલીસે ઝડપી લીધા હતા. ત્યાર બાદ પણ બન્ને વચ્ચે પ્રેમસબંધ ચાલુ રહ્યો હતો. મૃતક જલ્પાના લગ્ન સરધાર પાસેના લોધીડા ગામે ઉમેશ રાયધનભાઇ મેર સાથે થયા હતા, પણ પતિ પત્ની વચ્ચે મનમેળ ના હોય, જલ્પા રીસામણે માવતર આવતી રહી હતી. તે પછી સમાધાન થયું હતું, પણ ફરી મનદુ:ખ થતાં આખરે બન્ને વચ્ચે છુટાછેડા થયા હતા.

જલ્પાને ઉમેશ સાથેના લગ્ન જીવનથી એક પુત્ર છે, જે હાલ પતિ પાસે છે. જલ્પા થોડો સમય ગોંડલમાં ઓરડી ભાડે રાખીને રોકાઇ હતી અને એ સમયે તે પેટ્રોલ પંપમાં નોકરી કરતી હતી. હાલ ત્રણેક મહિનાથી તે તેની માતા સાથે રહેતી હતી. 7 ડિસેમ્બર સવારે જલ્પા તેની માતાને ‘ગોંડલ ચોકડીએ કામ છે’ તેવું કહી ઘરેથી નિકળી હતી અને ગોંડલ પહોંચી હતી. જે બાદ બપોરે પ્રેમીને મળવા વાડીએ પહોંચી હતી. જ્યાં પ્રેમી યુવકની કાળઝાળ બનેલી પત્નીએ પાવડાના ઘા મારી હત્યા નીપજાવી હતી. મૃતદેહ નજીક લેડીઝ પર્સ અને પાવડો મળી આવ્યા હતા.

સમગ્ર ઘટનાની વિગતે માહિતી આ પ્રમાણે રહી હતી કે, હત્યાના ગુનામાં પોલીસ હિરાસતમાં રહેલી કિશનની પત્ની કહે છે કે, અમારાં લગ્ન થયે સાત વર્ષ થયા. એક દીકરો અને એક દીકરીનો જન્મ થયો. અમે સમગ્ર પરિવાર ધારેશ્વર રોડ પર વાછરારોડ ચોકડી નજીક ધીરૂભાઈ ઠુમરની વાડીએ રહેતા હતા. મારા પતિ કિશન પરસોત્તમભાઈ હાડાએ આ વાડી ભાગીયામાં રાખી છે. અમારી જીંદગી ખુશહાલ હતી. પરંતુ, દોઢ વર્ષથી પતિ કિશનને રાજકોટની જલ્પા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પહેલાં તો આ વાતની મને ખબર નહોતી, પણ મોબાઇલ પર અવારનવાર બન્ને વચ્ચે વાતચીત થતી અને જલ્પા કિશનને મળવા વાડીએ પણ આવતી હતી. મને શંકા હોવા છતાં હું ચુપ હતી.

આ દરમિયાન બન્ને ત્રણેક માસ પહેલાં ઘરેથી નાશી છૂટ્યાં ત્યારે, મને પોતાનો પતિ પરસ્ત્રીના પ્રેમમાં ઓતપ્રોત થયો હોવાનું સમજાયું હતું. તે પછી બન્ને પોલીસમાં પકડાઇ ગયા બાદ પતિ કિશન ઘરે આવવાને બદલે જલ્પા સાથે રાજકોટ રહેતો હતો. હાલ અઢી મહિના બાદ કિશન ઘરે પરત ફર્યો હતો. જો કે તે પછી પણ કિશન અને જલ્પાનો પ્રેમ યથાવત્ હતો. કોઇને કોઈ બહાને જલ્પા ગોંડલ આવતી અને કિશનને મળતી હતી. જલ્પા તેના સાસરેથી કિશન સાથે ભાગી ગયા બાદ તેના પતિએ જલ્પાને છુટાછેડા આપી દીધા હતા. જેથી જલ્પા હવે આઝાદ હતી. પતિ કિશનના પ્રેમપ્રકરણને લઇને અમારી વચ્ચે અનેકવાર ઝગડા થતા હતા. મારું જીવન બરબાદ થઇ રહ્યું હતું.

શનિવાર બપોરે જલ્પા કિશનને મળવા વાછરારોડ વાડીએ આવી હતી. વાડીએ કિશન અને તેની પત્ની જીજ્ઞા અને તેની માતા અને બન્ને બાળકો હાજર હતા. જલ્પા આવ્યાની જાણ જીજ્ઞાને થઈ ગઈ હતી. જેથી પતિના પરાઇ સ્ત્રી પ્રત્યેના આંધળા પ્રેમસંબંધને ચુપચાપ સહન કરતી જીજ્ઞાનો મગજ ફાટફાટ થવા લાગ્યો હતો. જેને લઈને જલ્પા સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

આ સમયે કિશને બન્ને સ્ત્રીઓને સમજાવવા હાથ જોડી વિનંતી કરી, જો તમે જગડવાનું બંધ નહી કરો તો હું મરી જઈશ તેવું પણ કહ્યું હતું. જો કે આ વખતે જીજ્ઞા અને જલ્પાનું ઝગડવાનું બંધ થયું નહોતું. પતિનાં લફરાને અબળા બની સહન કરતી જીજ્ઞા આજે સબળા બની હતી. તેણે જલ્પાને કહ્યું કે, તું મારા પતિને છેડી દે. ત્યારે પ્રેમમાં દિવાની બનેલી જલ્પાએ કહ્યું હતું કે, હું કિશનને કોઇ કાળે નહી છોડું. આ સાંભળતાં જ ‘મેરા પતિ સિર્ફ મેરા હે’ના અધિકાર ભાવ સાથે ઝનુની બનેલી જીજ્ઞાએ વાડીમાં પડેલો પાવડો ઉપાડી જલ્પા પાછળ દોટ મુકી હતી. આ દૃશ્ય જોઈ ગભરાયેલો કિશન વાડીએથી નાશી છૂટ્યો હતો.

વાડીમાં ઝગડતી આ બન્ને સ્ત્રીઓ ઝગડતી ઝગડતી છેક રોડ પર આવી ગઇ હતી. તે દરમિયાન જીજ્ઞાએ ગોંડલ ધારેશ્વર રોડ પર આવેલી વાછરા ચોકડી નજીક નવ વિધાન સ્કૂલની સામે પતિના અન્ય મહિલા સાથે પ્રેમસંબંધથી કંટાળીને જલ્પાના માથાના ભાગે પાવડાના આડેધડ ઘા ઝીંકી જલ્પાનું રોડ પર જ મોત નીપજાવ્યું હતું. આમ ‘પતિ પત્ની ઔર વો’ની કહાનીનો કરુણ અંજામ આવ્યો હતો.