ઢાકામાં ભારતીય હાઈ કમિશન સામે વિરોધ પ્રદર્શન:BNP નેતાએ કહ્યું- જો ભારત અમને ચટગાંવ માટે કહેશે તો અમે બંગાળ, બિહાર અને ઓડિશા પરત લઈશું

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ રવિવારે ભારતના વિરોધમાં ભારતીય હાઈ કમિશનની સામે લોંગ માર્ચ કાઢી હતી. જોકે, પોલીસે આ કૂચ અધવચ્ચે જ અટકાવી દીધી હતી. આ પછી BNPના પ્રતિનિધિ જૂથને પોલીસની મદદથી ભારતીય હાઈ કમિશનને એક મેમોરેન્ડમ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ દરમિયાન BNPના સંયુક્ત મહાસચિવ રૂહુલ કબીર રિઝવીએ ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા. રિઝવીએ કહ્યું- ભારત દરેક પગલા પર બાંગ્લાદેશને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે શેખ હસીનાને આશરો આપ્યો કારણ કે તે બાંગ્લાદેશના લોકોને પસંદ નથી. ભારત કોઈની સાથે મિત્રતા ન કરી શકે.

તેમણે કહ્યું કે, જો ભારત ચટગાંવ માંગશે તો અમે બંગાળ, બિહાર અને ઓડિશા પરત લઈશું. ભારતમાં કોમવાદ ઘણો છે. શેખ હસીનાએ માત્ર દિલ્હીના આશીર્વાદથી બાંગ્લાદેશમાં 16 વર્ષ શાસન કર્યું. ભારતે પણ વકીલ અલીફની હત્યા અંગે કશું કહ્યું નથી.તમને જણાવી દઈએ કે, 26 નવેમ્બરના રોજ ચટગાંવમાં વકીલ સૈફુલ ઈસ્લામ ઉર્ફે અલીફનું ચિન્મય પ્રભુના સમર્થનમાં પ્રદર્શન દરમિયાન મોત થયું હતું. વકીલનું મૃત્યુ કેવી રીતે થયું તે જાણી શકાયું નથી.

રિઝવીએ દાવો કર્યો હતો કે, વિઝા રોકવાથી ભારતે બાંગ્લાદેશને ફાયદો પહોંચાડ્યો છે. તેમણે કહ્યું, આનાથી આપણો દેશ સમૃદ્ધ થશે. ઉત્પાદન વધશે. સરહદ બંધ કરીને સારું કામ કર્યું. ફેન્સીડીલ અને યાબા (બંને ડ્રગ્સ) ભારતમાંથી આવતા હતા, પરંતુ હવે નહીં આવે.

દરમિયાન સવારથી ભારતીય હાઈ કમિશનની સામે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સેનાની ત્રણ પ્લાટુન સાથે પોલીસ પણ અહીં હાજર છે. આ દરમિયાન કેટલાક સામાન્ય મુસાફરોને પણ અટકાવવામાં આવ્યા હતા અને જો તેઓ શંકાસ્પદ જણાય તો તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

રૂહુલ કબીર રિઝવી સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા તેઓએ ભારતીય સાડીઓ સળગાવીને ભારતનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને તમામ ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટ, 2024 ના રોજ શેખ હસીના સરકારના પતન પછી ભારત વિરોધી ભાવનાઓએ વેગ પકડ્યો છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા ઘણા નેતાઓ અને કટ્ટરવાદી જૂથો સતત ભારત વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે.