કેશોદમાં 11 બાળકીઓેને ફૂડ પોઇઝનિંગ:ધાર્મિક પ્રસંગે યોજાયેલ જમણવાર બાદ ઊલટીઓ થઈ, હોસ્પિટલમાં સારવાર હેઠળ, આરોગ્ય વિભાગ દોડતું થયું

જુનાગઢના કેશોદના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવાર બાદ 11 જેટલી બાળકીઓને ઉલટીઓ થવા લાગી હતી. બાળકીઓને ફૂડ પોઈઝનિંગ અસર થઈ હતી. જેથી આ તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બીજી તરફ ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ હતી અને આરોગ્ય વિભાગ દ્વારા અન્ય બાળકોનું સ્કેનિંગ કરી વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

જુનાગઢના કેશોદના ખીરસરા ઘેડ ગામે આજે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમણવાર દરમિયાન બાળકીઓને ઉલટીઓ થવા લાગતા દોડધામ મચી ગઈ હતી. 11 જેટલી બાળકીને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જેમાંથી સાત બાળકીઓને કેશોદ સિવિલ હોસ્પિટલ અને અન્ય ચાર બાળકીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે.

ખીરસરા ઘેડના રેખાબેન સીધપરાએ જણાવ્યું હતું કે, ખીરસરા ઘેડ ગામે વાડી વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકીઓ જમવા ગઈ હતી. જ્યાં જમ્યા બાદ બાળકીઓને ઉલટી થવા લાગી હતી. જેથી બાળકીઓને સારવાર માટે કેશોદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે. છ થી સાત દીકરીઓને અહીં કેશોદ હોસ્પિટલ લાવવામાં આવ્યાં છે અને અન્ય બાળકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે.

કેશોદ સિવિલ હોસ્પિટલના ડૉ. એન.જી ડાભીએ જણાવ્યું હતું કે, કેશોદ તાલુકાના ખીરસરા ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં 30 જેટલી બાળકીઓનું જમણવાર રાખવામાં આવ્યું હતું. જેમાંથી 11 જેટલી દીકરીઓને જમ્યા બાદ પેટમાં દુખાવો અને ઉલટી થઈ હતી. આ મામલે તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. હાલ જે બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી તેને સારવાર માટે કેશોદ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હાલ સાત જેટલી બાળકીઓને કેશોદ સિવિલ હોસ્પિટલ અને અન્ય ચાર બાળકીઓને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ મામલે હાલ અન્ય બાળકોનું સ્ક્રિનિંગ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.