દુષ્કર્મીઓની ચુંગાલમાંથી છટકીને યુવતી ખેતરો ખુંદી પેટ્રોલ પંપ પર પહોંચી ગઈ, પોલીસે 10 ટીમ બનાવી આરોપીને દબોચ્યા

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના એક ગામમાંથી યુવતીનું ગાડીમાં અપહરણ કરી તેની સાથે 2 શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ મોકો મળતા જ યુવતી દુષ્કર્મીઓની ચુંગાલમાંથી છટકીને ખેતરો ખુંદી પેટ્રોલ પંપ પર પહોંચી ગઈ હતી. જે બાદ પેટ્રોલપંપના કર્મચારીના આધારે પોલીસને ઘટનાની જાણ થઈ હતી. જેને પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તમામ વિસ્તારના 500થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા. જે બાદ અપહરણ સહિત સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

બનાસકાંઠાના દાંતીવાડાના એક ગામે 1 ડિસેમ્બરે ગામની ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી એક યુવતીનું બે શખ્સઓએ ઈકો ગાડીમાં અપહરણ કર્યું. તે બાદ યુવતીને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. જ્યા આ બન્ને શખ્સોએ યુવતી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું. જો કે, તે બાદ આ શખ્સો યુવતી સાથે બીજી કોઈ કરતૂત કરે તે પહેલા જ યુવતીને લાગ મળતા યુવતી આ શખ્સોની ચૂંગલમાંથી છૂટી જઈ જીવ બચાવી નાસી છૂટી હતી. તે બાદ યુવતી ખેતરો ખૂંદી એક પેટ્રોલ પંપ નજીક પહોંચી ગઈ હતી. સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતા હંગામો મચી ગયો હતો. ઘટનાને લઈને યુવતીના પરિવારજનોએ દાંતીવાડા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

અપણહરણની ઘટનાને પગલે બનાસકાંઠા પોલીસે એલસીબી, એસઓજી સહીત સ્થાનિક પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવી ભોગ બનેલી યુવતીનું નિવેદન લઈ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચારનાર આ શખ્સો કોણ હતા? એ શોધવું પોલીસ માટે એક કોયડારૂપ બની ગયું હતું. જેથી પોલીસે યુવતીનું જ્યાંથી અપહરણ થયું ત્યાંથી ઘટના સ્થળ સુધીના 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સાથે જ હ્યુમન ઈન્ટરલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી.

આ દરમિયાન અપહરણમાં વપરાયેલી કાર સામઢી મોટાવાસ ગામના વિનસીંગ ઉર્ફે વિનુસીંગ કનુસીંગ સોલંકીની હોવાનું બહાર આવતા પોલીસે વિનસીંગને ઝડપી પાડ્યો હતો. જે બાદ તેની પૂછપરછ કરી તો સામઢી મોટાવાસના વિનુસીંગે ગામના વાલસીંગ ઉદેસીંગ સોલંકીને સાથે રાખી આ બંને શખ્સોએ જ યુવતીનું અપહરણ કર્યું હોવાનું અને તે બાદ યુવતી સાથે સામુહિક દુષ્ક્રમ આચાર્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આ બન્ને આરોપીઓને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, દુષ્કર્મની ઘટના સામે આવતા જ પોલીસની તમામ ટીમો આરોપીને ઝડપવા કામે લાગી હતી. આરોપીઓએ ઈકો ગાડીનો ઉપયોગ કર્યો હતો એટલી જ માહિતી અમારી પાસે હતી. જોકે, પોલીસની ટીમોએ આશરે 500 જેટલા સીસીટીવી કેમેરાને ચેક કર્યા, તેમજ હ્યુમન ઈન્ટરલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ઈકો ગાડીઓને ચેક કરવામાં આવી હતી. જે બાદ બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા. તેમજ તેઓને કોર્ટમાં રજુ કરીને તેઓના રિમાન્ડ પણ માંગવામાં આવ્યાં છે.

વધુમાં જણાવ્યું કે, આ બન્ને ઈસમોએ સાંજના 7-30 વાગ્યાના આસપાસ યુવતીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ જે રૂટ હતો તે રૂટને પોલીસે ટ્રેક કર્યો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસે જિલ્લાની તમામ ઈકો ગાડીનું રજીસ્ટ્રેશન ચેક કર્યું હતું. તેના માલિકોની ઓળખ કરી હતી. તેમજ યુવતીને અનેક ફોટોગ્રાફ દેખાડવામાં આવ્યાં હતા. ઘટના બાદ યુવતીને મોકો મલતા તે ત્યાથી ભાગી ગઈ હતી અને અમને તેની સાથે બનેલી ઘટનાની જાણ કરે છે. જેથી યુવતી બચી જાય છે. પરંતુ આ જગ્યા વિશે યુવતીને જાણ હોતી નથી.