અમદાવાદની યુનિયન બેંકમાં છુટ્ટાહાથની મારામારી, VIDEO:FD પર વધુ TDS કાપતા હોવાનું કહી ગ્રાહકે બેંક મેનેજર સાથે માથાકૂટ કરી, વચ્ચે પડેલા કર્મચારીને થપ્પડો ઝીંકી

અમદાવાદના માનસી સર્કલ વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બ્રાંચ પર એક ગ્રાહક દ્વારા ટીડીએસ કાપવા મુદ્દે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. આ મામલે બેંક મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુનિયન બેંકમાં થયેલી બોલાચાલી અને મારામારીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

FD પર TDS કાપવા મુદ્દે ગ્રાહકે બબાલ કરી વેજલપુરમાં રહેતા સૌરભસિંઘે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ માનસી સર્કલ ખાતે આવેલી યુનિયન બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે.સવારે તેઓ બેન્કમાં હાજર હતા ત્યારે બેન્કમાં ગ્રાહક જયમન રાવલ આવ્યા હતા. જયમનભાઈ બેન્કમાં આવીને કહ્યું હતું કે તેમણે બેંક એફડી કરાવી છે અને એફડી પર જમા થયેલ વ્યાજ પર ટીડીએસ કેમ વધારે કપાય છે? જેથી બેંક મેનેજરે કહ્યું હતું કે ટીડીએસ ટેક્સના રરૂપિયા ઇન્કમટેક્સ વિભાગમાં જાય છે અને જે રૂપિયા તમે રિટર્ન ફાઇલ કરો ત્યારે ક્લેઇમ કરો તો કપાયેલા ટીડીએસના રૂપિયા પરત મળે છે.

જયમનભાઈ ઉશ્કેરાઈને કહેવા લાગ્યા હતા કે તમે મને બેવકૂફ બનાવો છો અને મારા વધારાના પૈસા બેંકે કાપી નાખ્યા છે.તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા અને ગળામાં પહેરેલા આઇકાર્ડ પકડી ખેંચવા લાગ્યા હતા. આ દરમિયાન સ્ટાફના માણસો અને બેંકમાં હાજર માણસો હતા તેમને જયમનભાઈ ને છોડાવ્યા હતા.ત્યારબાદ બેન્ક મેનેજરને મારવા તેમની તરફ જતા હતા ત્યારે લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીનો કર્મચારી શુભમ જૈન વચ્ચે પડતા જયમનભાઈએ તેને લાફો મારી દીધો અને શર્ટ પકડી તેના શર્ટના બટન તોડી નાખ્યા હતા.આ ઉપરાંત બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યા હતા.તેથી બેંક મેનેજર એ પોલીસને ફોન કરતા પોલીસની ગાડી આવી હતી અને અંગે તેમણે જયમનભાઈ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

બેંકમાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ યુનિયન બેંકમાં થયેલી મારામારીનો એક 43 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં બેંકના કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે બોલાચાલી અને મારામારી જોવા મળી રહી છે. બેંકમાં થયેલી આ મારામારીના કારણે અન્ય ગ્રાહકો અને કર્મચારીઓ ડઘાઈ ગયા હતા.