હિંમતનગર,
ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું છે. પાંચમી ડિસેમ્બરનાં રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરનાં રોજ મતદારોનાં મતદાનનું પરિણામ આવવાનું છે. ત્યારે બાયડમાં પુત્રનાં પ્રચારમાં આવેલા શંકરસિંહ વાઘેલાની જીભ લપસી હતી. શંકરસિંહ વાઘેલા ભાંગરો વાટતા બોલી ગયા હતા કે, ’કમળ પર મતદાન કરી કોંગ્રેસના વિજયની વાત કરી’.
તેમણે પોતાનાં નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ’પાંચમી તારીખે પણ કમળ ઉપર મતદાન આપીને, કમળનાં ઉમેદવારોને જાકારો આપીને કોંગ્રેસનાં ઉમેદવારોને વિજયી બનાવે તેવી આપ સૌને હું વિનંતી કરું છું.’
નોંધનીય છે કે, પ્રથમ તબક્કાના મતદાનનો સત્તાવાર આંકડો ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર ૬૩.૧૪ ટકા નોંધાયું છે. આ સાથે સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં ૭૮.૨૪ ટકા નોંધાયું છે. જ્યારે બોટાદ જિલ્લામાં સૌથી ઓછું ૫૭.૫૮ ટકા મતદાન નોંધાયું છે. મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લામાં ૫૭.૫૯ ટકા મતદાન નોંધાયું છે. ત્યારે પ્રથમ તબક્કાના મતદાનના સત્તાવાર આંકડા જાહેર થતા સામે આવ્યું છે કે, આદિવાસી પ્રભાવિત ૫ જિલ્લામાં ૬૫ ટકાથી વધુ મતદાન થયું છે.
પ્રથમ તબક્કમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કુલ ૭૮૮ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં બંધ થયું છે. આ તબક્કામાં ૬૯ મહિલાઓ ચૂંટણી મેદાનમાં હતી. કેટલીક અનિચ્છનિય ઘટનાઓને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર લોકોએ મત આપ્યાં છે.