વલસાડ જિલ્લામાં NIB સંસ્થાના સ્થાપક રામભાઈ પટેલ આજે સવારે બાથરૂમમાં પડી ગયા હતા, જેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને પરિવારના સભ્યોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. દિવ્યાંગ દિવસે જ દિવ્યાંગોના મસીહાની ચીર વિદાય થઈ છે. સેવાના ભેખધારી વલસાડના પ્રજ્ઞાચક્ષુ રામભાઈ પટેલે અનેક દિવ્યાંગોના અંધકાર જીવનમાં પ્રકાશ પ્રસરાવ્યો હતો. આટલું જ નહીં, તેમની સંસ્થામાં તાલીમ મેળવેલા દિવ્યાંગ ખેલાડીઓએ વર્ષ 2018માં રમાયેલા ‘બ્લાઈન્ડ ટી-20 વર્લ્ડ કપ’ પણ જીતી લાવ્યા હતા.
સંસ્થાના 4 ખેલાડી ભારતની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમનો હિસ્સો હતા વલસાડ NAB સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી રામભાઈ પટેલનું અવસાન થતાં લોકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. આકસ્મિત રીતે આંખ ગુમાવ્યા બાદ રામભાઈએ પરિશ્રમ કરીને વલસાડ જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓ માટે સંસ્થાની સ્થાપના કરી હતી. અત્યારસુધીમાં હજારો પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ બાળકોનું સમાજમાં પુનઃ સ્થાપન કરાવ્યું છે. NAB સંસ્થામાં તાલીમ મેળવેલા 4 ખેલાડી ભારતની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમનો પણ હિસ્સો હતા, જે ટીમ વર્ષ 2018માં રમાયેલા ‘બ્લાઈન્ડ ટી-20 વર્લ્ડ કપ’ પણ જીતી લાવી હતી. ભારતની ટીમમાં 4 મહત્ત્વના ખેલાડીઓને સ્થાન અપાવ્યું હતું. બ્લાઈન્ડ બાળકોને પૂરતો સહયોગ આપી સમાજમાં પુનઃ.સ્થાપન અને પ્રોત્સાહિત કરતા રહેતા હતા. રામભાઈ પટેલની NAB સંસ્થામાં જિલ્લાના તમામ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડતા હતા.
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ બાળકો માટે ખેલમહાકુંભનું આયોજન કર્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યનાં દિવ્યાંગ બાળકોમાં છુપાયેલી ક્ષમતાને જોઈને વલસાડના NABના સ્થાપક ટ્રસ્ટી રામભાઈ પટેલ સાથે બાળકોમાં રહેલા કૌશલ્ય વિશે વાત કરી હતી અને દિવ્યાંગ બાળકોના ખેલ મહાકુંભને આગળ વધારવા રામભાઈ પટેલને પ્રોત્સાહિત કર્યા હતા. રામભાઈ પટેલે વલસાડમાં NAB સંસ્થામાં હજારો નેત્રથી દિવ્યાંગ બાળકોને સમાજમાં પુનર્વસન માટે કરેલા પ્રયાસો અંગે જાણીને તેઓ ગદગદિત બન્યા હતા.
દર વર્ષે તા. 3જી ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વલસાડ જિલ્લામાં દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓને સ્વાવલંબન બનાવવાની વાત હોય કે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની વાત હોય, દિવ્યાંગોના કલ્યાણ અને પુનર્વસનની વાત આવે ત્યારે તેમના માર્ગદર્શક તરીકે નેત્રહીન એવા વલસાડના સામાજિક કાર્યકર રામભાઈ કોયાભાઈ પટેલનું નામ ગર્વથી લેવાય છે.
દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે પોતાનું સમગ્ર જીવન હોમી દેનાર રામભાઈ પટેલનો જન્મ તા: 2જી ફેબ્યુઅરી 1950ના રોજ વલસાડ તાલુકાના કાંજણરણછોડ ગામમાં થયો હતો. 1972ની સાલમાં તેમની આંખમાં પરદાની ખામી થતાં બંને આંખમાં અચાનક અંધાપો આવી ગયો હતો. અનેક હોસ્પિટલોમાં સારવાર પણ કરાવી, પરંતુ કોઈ ફરક પડ્યો નહિ. રાતોરાત તેમની જિંદગી બદલાય જતાં તેમના પર આભ તૂટી પડ્યુ હતું. તેમના પર આવી પડેલી આ અણધારી આફતને કેવી રીતે અવસરમાં પલટી શકાય એ માટે સતત મનોમંથન કરતાં વિચાર આવ્યો કે આંખો ન હોવાથી મને આટલી તકલીફ પડી રહી છે. તો જે લોકો ખરેખર નેત્રહીન છે તે લોકો કેવી રીતે જીવન જીવતા હશે?
ઘોર નિરાશા વચ્ચે તેમના મનમાં એક આશાનું કિરણ ફૂટયું અનેક હાડમારી, યાતના અને બીજાની દયા પર નિર્ભર જીવન આત્મનિર્ભરતા સાથે કેવી રીતે સરળતાથી જીવી શકાય એ માટે ઘોર નિરાશાઓ વચ્ચે તેમના મનમાં એક આશાનું કિરણ ફૂટ્યું કે દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓને શિક્ષિત બનાવવામાં આવે તો તેમના જીવનમાં હકારાત્મક બદલાવ આવી શકે છે. એ માટે સૌપ્રથમ તેમણે પોતે જ તાલીમ લેવાનું નક્કી કર્યું. નેત્રહીન વ્યક્તિને સામાન્ય જીવન જીવવાની તાલીમ મુંબઈના વરલીમાં નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડ ખાતે આપવામાં આવતી હોવાની જાણ થતાં જ ત્યાં પહોંચી જઈ તાલીમ મેળવી હતી. જીવનમાં હાર નહીં માની દિવ્યાંગોના કલ્યાણ અર્થે અલગ અલગ રાજયોમાં પણ જઈ તાલીમ મેળવી હતી. આ સિવાય મુંબઈમાં ટીચર્સ ટ્રેનિંગમાં ટેલિફોન ઓપરેટિંગ વગેરે રોજગારલક્ષી તાલીમ લઇ ખાલસા કોલેજમાં BAની ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી.
આ સમગ્ર સંઘર્ષમાં NAB INDIA પથદર્શક બન્યું હતું. ત્યાર બાદ વલસાડ પરત ફરી જિલ્લા સહકારી બેંક ખાતે ટેલિફોન ઓપરેટર તરીકે 2008 સુધી નોકરી કરી હતી. સાથોસાથ વર્ષ 1984માં દિવ્યાંગોના વિકાસ માટે નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડ સંસ્થાની વલસાડ ખાતે સ્થાપના કરી શરૂઆત પોતાના નિવાસસ્થાનેથી માત્ર 5 અંધજન સાથે કરી હતી. આજે વલસાડ જિલ્લામાં વટવૃક્ષ સમાન બનેલી આ સંસ્થામાં 150 જેટલાં દિવ્યાંગ ભાઈ-બહેનો દર વર્ષે વિવિધ તાલીમ અને શિક્ષણ મેળવે છે.