પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં 4નાં મોત : અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયામાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ

અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી.

અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ધટના બાદ એક કામદારનું મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો હતો. બ્લાસ્ટમાં મૃતદેહ ફંગોળાયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામા મચવ્યો છે.

મૃતકોના નામ

  1. પોલેશરામ (ઉ.વ.33, હાલ.સારંગપુર-અંકલેશ્વર, મૂળ.યુ.પી)
  2. મુકેશસીંગ (ઉ.વ.33, બિહાર)
  3. હરીનાથ યાદવ (યુ.પી)
  4. અશોક રામકૃષ્ણ (યુ.પી)

આ દુર્ઘટનાને લઈ એક કામદારે જણાવ્યું હતું કે, ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયું હતું. જેમાં 10થી 12 લોકો મળી રહ્યાં નથી. જેમાં અંદરથી એવા સમાચાર મળી રહ્યાં છે કે બોડી મળી નથી રહી અને તેઓનું મૃત્યુ થયું છે. સવારના 11:30 અને 12 વાગ્યાની વચ્ચે ઘટના ઘટી હતી, પરંતુ હજુ સુધી તેમની ગણતરી જ ચાલી રહી છે અને તેઓ ક્યાં ગયા તે બતાવી પણ રહ્યાં નથી. ધીરે ધીરે તેઓ બોડી બહાર કાઢે છે. એક બોડી જંગલમાંથી મળી છે. બ્લાસ્ટ થયો અને જ્યાંથી બોડી મળી છે તે બંને વચ્ચે અંદાજે 100 મીટર જેટલું અંતર છે તો આટલી દૂર બોડી કેવી રીતે પહોંચી અને એક જ લાશ કેમ ગઈ, બાકીના 10-12 લોકો ક્યાં છે? તેઓનો કોઈ જ અત્તોપત્તો નથી. આ કંપની તેઓને છુપાવવાની કોશિશ કરી રહી છે. કોઈ કંઈ જ બતાવી રહ્યું નથી.

કામદારે એવો આક્ષેપ પણ લગાવ્યો હતો કે કંપની ધીરે ધીરે 3-4 લોકોની લાશને બાયપાસ કરી રહી છે. જેમના સંબધી છે તેઓ આવશે અને જેમના સંબધી નહીં હોય તે શું કરશે. કંપની આવી અને કહે કે શું થયું કેટલા લોકો હતા, કેટલાના મોત થયા. જે હિસાબે બ્લાસ્ટ થયું તે જોતા તો કોઈ બચ્યું નહીં હોય. કેમ કે કોઈનો હાથ મળી રહ્યો છે, કોઈનો પગ મળી રહ્યો છે, કોઈનું ગળું મળી રહ્યું છે અને કોઈની કમરની નીચેનો ભાગ મળી રહ્યો છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતાં દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારનાં મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે. અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે.

જે કંપનીના પ્લાન્ટમાં ફિડ ટેન્ક પર રેલીંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં રેલીંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ચાર કામદારોના મોત અને 4 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની લાશ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી.