સંસદમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’નું સ્ક્રીનિંગ:PM-અમિત શાહની સાથે એક્ટર વિક્રાંતએ નિહાળી; ગોધરાકાંડ પર બની છે ફિલ્મ

સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક મંત્રીઓ અને સાંસદો તેમજ એક્ટર વિક્રાંત મેસ્સી આ ફિલ્મ જોવા પહોંચ્યા હતા.

વિક્રાંત મેસી અભિનીત ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2002ની ગોધરાકાંડ અને ત્યારપછીના ગુજરાત રમખાણો પર આધારિત છે. જે સમયે આ ઘટના બની તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા.મોદી પર તોફાનો રોકવા માટે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ પણ લાગ્યો હતો. જોકે બાદમાં તેમને ક્લીનચીટ આપવામાં આવી હતી.આ પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ફિલ્મના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે- આ સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે.

સંસદના શિયાળુ સત્રનો આજે પાંચમો દિવસ હતો. લોકસભામાં સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો. વિપક્ષના નેતાઓએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. હોબાળા બાદ બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.

રાજ્યસભામાં લગભગ 15 મિનિટ સુધી કાર્યવાહી ચાલી હતી. વિપક્ષના નેતાઓએ ત્યાં પણ હોબાળો મચાવ્યો હતો. જે બાદ અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.

બેઠક પહેલા, INDIA ગઠબંધનના નેતાઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. જેમાં વિપક્ષના નેતા (લોકસભા) રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. જો કે ટીએમસીના નેતાઓ આવ્યા ન હતા.ટીએમસી સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે તેઓ ગૃહમાં બેરોજગારી, મણિપુર, મોંઘવારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે. જ્યારે કોંગ્રેસ માત્ર અદાણી મુદ્દે હોબાળો મચાવી રહી છે.

બીજી તરફ, ગૃહ સ્થગિત થવાને કારણે વિદેશ મંત્રી એસ જયશંકર આજે લોકસભામાં ભારત-ચીન મુદ્દા પર બોલી શક્યા નહોતા. નાણામંત્રી સીતારમણ પણ લોકસભામાં બેંકિંગ લો સંશોધન બિલ રજૂ કરી શક્યા ન હતા.25 નવેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્રના 4 દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર 40 મિનિટ ચાલી હતી. દરરોજ, સરેરાશ બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં લગભગ 10-10 મિનિટ કામ થયું હતું.

25 નવેમ્બર: પહેલો દિવસ – રાજ્યસભામાં ધનખડ-ખડગે વચ્ચે ચર્ચા 25 નવેમ્બરે સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ હતો. રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ અને વિપક્ષના નેતા (LoP) મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ચર્ચા થઈ હતી. ધનખડે ખડગેને કહ્યું હતું કે આપણું બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આશા છે કે તમે તેની મર્યાદામાં રહેશો. તેના પર ખડગેએ જવાબ આપ્યો કે આ 75 વર્ષમાં મારું યોગદાન પણ 54 વર્ષ છે, તો મને ન શીખવો

27 નવેમ્બર: બીજા દિવસે – અદાણી મુદ્દે લોકસભામાં હોબાળો સત્રના બીજા દિવસે 27 નવેમ્બરે સવારે 11 વાગ્યે વિપક્ષે કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો મચાવ્યો. 12 વાગે ફરી કાર્યવાહી શરૂ થતાં ફરી હોબાળો થયો હતો. વિપક્ષે યુપીના સંભલમાં હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જે બાદ લોકસભા અને રાજ્યસભા બંનેને 28 નવેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

28 નવેમ્બર: ત્રીજો દિવસ- પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા 28 નવેમ્બરે સત્રનો ત્રીજો દિવસ હતો. પ્રિયંકા ગાંધી પહેલીવાર સંસદ પહોંચ્યા. તેમણે લોકસભામાં સાંસદ પદના શપથ લીધા હતા. આ દરમિયાન તેમણે પોતાના હાથમાં બંધારણની કોપી રાખી હતી. પ્રિયંકાની સાથે તેની માતા સોનિયા અને રાહુલ ગાંધી પણ સંસદ પહોંચ્યાં હતાં. પ્રિયંકાએ વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણી જીતી છે. પ્રિયંકાની સાથે નાંદેડથી પેટાચૂંટણી જીતનાર રવિન્દ્ર ચૌહાણે પણ શપથ લીધા હતા.