દુષ્કર્મી કાઉન્સિલર જેલમાં ધકેલાયો : આણંદની પરિણીતા પર દુષ્કર્મ ગુજારનાર દીપુ પ્રજાપતિના એક દિવસના રિમાન્ડ પૂર્ણ

આણંદમાં રહેતી 35 વર્ષીય પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારી ભૂગર્ભમાં ઉતરી ગયેલા આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના BJP કાઉન્સિલર દીપુ પ્રજાપતિ (જલારામ ખમણવાળા)ને 15 દિવસ બાદ વાસદ ખાતેથી આણંદ ટાઉન પોલીસે ઝડપ્યો હતો. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યાં હતાં. એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આ દુષ્કર્મી દીપુ પ્રજાપતિને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

પોલીસે મેડિકલ તપાસ પૂર્ણ કર્યાં બાદ દુષ્કર્મી દીપુ પ્રજાપતિને કોર્ટમાં રજૂ કરતાં, કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. પકડાયો એ પહેલાં દીપુ પ્રજાપતિ છેલ્લાં પંદર દિવસથી સેલવાસ તેમજ સાપુતારા આસપાસના વિસ્તારોમાં સંતાતો ફરતો હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે. આજે એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં દુષ્કર્મી દીપુ પ્રજાપતિને જ્યુડિશિયલ કસ્ટડીમાં સબ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.

આણંદ શહેરમાં રહેતી 35 વર્ષીય એક પરિણીતા ગત તારીખ 6-6-2024 ના રોજ બપોરના સમયે પોતાના બે નાના બાળકો સાથે ઘરે હતી અને તેના પતિ કામઅર્થે બહારગામ ગયાં હતાં. તે દરમિયાન આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6નો BJP કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ આ પરિણીતાના ઘરે ગયો હતો અને વોટ નાખવા અંગેની તમારી પાસે પાવતી આવેલી છે ? તેમ પુછ્યું હતું. દરમિયાન પરિણીતાએ ના પાડતાં આ દીપુભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ એ તેણીનો મોબાઇલ નંબર લીધો હતો અને તમારા મોબાઇલમાં વોટ આપવાની પાવતી વોટ્સએપ મારફતે મોકલી આપીશ તેમ જણાવી ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ થોડીવારમાં વોટ આપવાની પાવતી મોકલી આપી હતી.

પાવતી મોકલી આપ્યાનાં એકાદ કલાક બાદ આ દીપુ પ્રજાપતિએ પરિણીતાને ફોન કરી તમે સારા લાગો છો, અને મને ગમો છો, તમારા પતિના વીડિયો મારી પાસે છે તેવું કહેવા લાગ્યો હતો. જેથી પરિણીતાએ ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ રાત્રીના સમયે આ દીપુ પ્રજાપતિએ ફરીથી પરિણીતાને ફોન કર્યો હતો અને જો તુ મારી સાથે વાતચીત નહી કરે તો, તે મારી સાથે જે અગાઉ વાતચીત કરેલી છે, તેનું રેકોર્ડિંગ તારા પતિને મોકલી આપીશ અને તારો ઘરસંસાર તોડી નખાવીશ તેવી ધમકીઓ આપી હતી. જે બાદ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો અને ધાકધમકીઓ આપી મોઢુ દબાવી રૂમમાં લઈ જઈ, બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને જો આ વાતની કોઈ ને જાણ કરીશ તો તારા પતિને તથા તારા બાળકોને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી જતો રહ્યો હતો. આ ધમકીથી પરિણીતા ડરી ગઈ હતી અને પોતનો ઘરસંસાર તૂટે નહીં તે માટે આ અંગેની જાણ કોઈને કરી ન હતી.

જે બાદ તારીખ 16-11-24 ના રોજ બપોરના સમયે પરિણીતા પોતાના ઘરના દરવાજે ઉભી હતી તે વખતે ત્યાં રોડ પરથી પસાર થતાં આ દીપુ પ્રજાપતિ ઈશારો કરી ફોન કરવા કહ્યું હતું. પરંતુ પરિણીતાએ ફોન કર્યો ન હતો. જેથી દીપુ પ્રજાપતિએ સામેથી ફોન કર્યો હતો અને હું તારા ઘરે આવું છું અને પાંચ-દસ મિનિટમાં પાછો જતો રહીશ તેમ જણાવ્યું હતું. જે તે વખતે પરિણીતાએ ના પાડી હતી. તેમ છતાં આ દીપુ પ્રજાપતિ માન્યો ન હતો. જેથી આ દીપુ પ્રજાપતિના ડરથી પરિણીતા પોતાના માતા-પિતાના ઘરે જતી રહી હતી અને રાત્રીના નવેક વાગે પરત ઘરે આવી હતી.

16મીએ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં જમી-પરવારીને પરિણીતાના પતિ બંને બાળકો માટે આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયાં હતાં. તે વખતે આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘુસી ગયો હતો અને એકલતાનો લાભ લઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. તે દરમિયાન પરિણીતાના પતિ ઘરે આવી જતાં આ દીપુ પ્રજાપતિને પકડી લીધો હતો. બૂમાબૂમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયાં હતાં. બીજી બાજુ આ અંગેની જાણ થતાં દીપુ પ્રજાપતિના બંને ભાઈઓ અને તેમના સાગરિતો લાકડી, પાઈપ જેવા હથીયાર લઈને દોડી આવ્યાં હતાં અને પરિણીતાના પરિવારજનો સાથે મારામારી કરી, દીપુ પ્રજાપતિને લઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ પણ થઈ હતી.