
ગોધરા શહેરના કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ બહુમાળી બિલ્ડિંગમાં લેબર કોર્ટની અંદર ચાલુ બોર્ડમાં જજને ₹.35,000ની લાંચ આપનાર ઈસમની એસીબી દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજરોજ લાંચ આપનાર આરોપીને નામદાર સ્પેશિયલ કોર્ટ એ.સી.બી ઈનચાર્જ પી.એ.માલવીયા સમક્ષ રજૂ કરતાં સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની વિગતવારની દલીલોને ધ્યાને લઈને આરોપીને તારીખ 3/12/2024 સુધીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ગોધરા શહેરમાં કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગ 2માં લેબર કોર્ટ આવેલી છે. જેમાં મહીસાગર જિલ્લાનાં વીરપુર તાલુકાના સરાડીયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજનાના ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં જે તે વખતે નોકરી કરતા હતા. કોઈક કારણોસર છૂટા કરવામાં આવ્યા હતા અને તેઓના કેસની મુદતની સુનાવણી હતી. જેથી તેઓના પક્ષે સુનાવણી થાય તે માટે આગોતરું આયોજનના ભાગરૂપે ગોધરાની લેબર કોર્ટમાં આવી ચાલુ બોર્ડમાં જ લેબર અદાલતના જજને બંધ કવરમાં રૂ.35,000ની લાંચ આપવાની ઓફર કરવામાં આવી હતી. જેથી જજ દ્વારા તે કવર નહીં સ્વીકારી કવર કોર્ટમાં ચાલુ બોર્ડમાં ખોલવા કહેતા બંધ કવરમાંથી રૂ.35,000 નીકળ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા આ મામલે ગોધરા ACBને જાણ કરવામાં આવી હતી.
ગોધરા ACBને લેખિત ફરિયાદ કરતા ગોધરા ACB કોર્ટે આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકીની અટકાયત કરી એસીબી કચેરીમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ જજને લાંચ આપવાના કિસ્સામાં આજરોજ આરોપીને નામદાર સ્પેશિયલ કોર્ટ એ.સી.બી ઈનચાર્જ પી.એ.માલવીયા સમક્ષ રજૂ કરતાં સરકારી વકીલ રાકેશ.એસ ઠાકોરની વિગતવારની દલીલોને ધ્યાને લઈને આરોપીને તારીખ 3/12/2024 સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે.