પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપી હાલ રિમાન્ડ પર છે. આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપૂર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી છે. જે બાદ SOGની તેમજ FSLની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી હતી જ્યા આખો દિવસ શોધખોળ હાથ ધરી હતી, જોકે, ખોદકામમાં માત્ર મીઠું મળ્યું હતું. જેથી પોલીસની ટીમ પરત ફરી હતી.
પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ નરેશ રબારી અને ધીરેન ઠાકોરે નવજાત શિશુને સુરેશ ઠાકોરને આપ્યું હતું. નરેશ રબારીએ આપેલી આ બાળકી એક કે બે દિવસની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જોકે, બાળકીનું મોત થતા સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે મૃત બાળકીને નદીના પટમાં દાટી દીધું હતું. આજે પોલીસે બનાસ નદીના પટ્ટમાં આ દાટેલી બાળકીને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, હાલ સુધી સ્થળ પરથી માત્ર મીઠું મળી આવ્યું છે. પોલીસે માટી અને મીઠાંના સેમ્પલ તપાસ અર્થે લીધા છે. દાટેલી બાળકીના હજુ સુધી કોઈ અવશેષો મળ્યા નથી.
આ બાળકને આરોપી શિલ્પાના ગામ કામપુર નજીક આવેલા દાદર પાસેના બનાસ નદી બ્રિજ નીચે દાટી દેવામાં આવ્યું હતું. પાવડા-કોદરીથી એકઆદ કલાક સુધી સાવધાનપૂર્વક ખોદકામ કરી બાળકની લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખોદકામ બાદ ખાડામાંથી મીઠું મળી આવ્યું છે પણ બાળકની લાશ નથી મળી. આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બન્ને ઘટના સ્થળે હાજર છે. હાલમાં આરોપી સુરેશ ઠાકોરની સાચુ લોકેશન જાણવા માટે કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. એવું પણ ચર્ચામાં છે કે, બાળકને અહીંથી કાઢીને અન્ય જગ્યાએ દાટી દેવામાં આવ્યું હોઈ શકે…
પાટણ જિલ્લામાં રાધનપુરના કોરડા ગામના નકલી ડો. સુરેશ ઠાકોરે પાટણના નિઃસંતાન દંપતીને નવજાત બાળક રૂ.1.20 લાખમાં વેચી માર્યું હતું. જોકે તે બીમાર રહેતાં એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું. નકલી ડોક્ટરે કુશ હોસ્પિટલની ફિમેલ હેલ્થવર્કર શિલ્પા ઠાકોરની સાથે મળીને ડીસા નજીક ગઢના મોટા ગામની સીમમાં ત્યજી દીધું હતું. આ નવજાત બાળક થરાની સંસ્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતા રૂપસિંહ ઠાકોરે આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે. આ દરમિયાન પોલીસ તપાસમાં બાળક જીવિત હોવાનું અને તંદુરસ્ત હાલતમાં પાલનપુરના શિશુગૃહમાં હોવાનું ખૂલ્યું હતું. ગત મે મહિનામાં બાળકને રાતના અંધારામાં ત્યજી દીધું હતું. પાટણ અને બનાસકાંઠા એમ બે જિલ્લામાં આ બાળતસ્કરી રેકેટના તાર ખૂલ્યા છે. અન્ય વેચાયેલા બાળકની પણ પોલીસને લિંક મળી છે. પૂછપરછમાં વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.
થરાની સંસ્કાર હોસ્પિટલથી બાળક અપાયું આ મામલે બે દિવસ પહેલાં પાટણના એસપી રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 23 નવેમ્બરે બી ડિવિઝન ખાતે નીરવ મોદીએ એક ઇલીગલ ચાઈલ્ડ એડોપ્શનની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી સુરેશ ઠાકોર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. સુરેશ ઠાકોરને અરેસ્ટ કર્યા બાદ તેની પૂછપરછ દરમિયાન એવું ખૂલવા પામ્યું હતું કે તે શિલ્પા ઠાકોર કામલપુર-રાધનપુરના રહેવાસી છે અને સર્ટિફાઈડ ફીમેલ હેલ્થવર્કર છે, જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે. તે સુરેશના સંપર્કમાં આવ્યાં. ત્યાર બાદ સુરેશનો સંપર્ક કરીને એક રૂપસિંહ ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય તેના દ્વારા તેમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે. તમે આ બાળકને લઈ જાઓ, જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર રાધનપુરથી થરા હોસ્પિટલ જાય છે. ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે. નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ ફરિયાદી નીરવ મોદીનો સંપર્ક કરે છે. સંપર્ક બાદ બાળક આપવાનું નક્કી થાય છે. ફરિયાદમાં લખ્યું છે એમ 1 લાખ 20 હજારની કિંમતમાં બાળક આપવાનું હતું.