બાંગ્લાદેશ ઇસ્કોને ગુરુવારે ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવી દીધા છે. સંસ્થાના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ ગેરશિસ્તતા (અનુશાસનહીનતા)નો આરોપ લગાવ્યો અને કહ્યું હતું કે તેમની પ્રવૃત્તિઓને ઇસ્કોન સાથે કોઈ લેવાદેવા નથી.દાસે એમ પણ કહ્યું હતું કે ચિન્મયની ધરપકડના વિરોધ દરમિયાન વકીલ સૈફુલ ઈસ્લામ અલીફના મૃત્યુ સાથે તેમની સંસ્થાનો કોઈ સંબંધ નથી. તેમણે વધુમાં કહ્યું-બાંગ્લાદેશમાં વિરોધપ્રદર્શનમાં અમારી કોઈ ભૂમિકા નથી. અમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને પણ આપણી સાથે જોડવામાં આવી રહ્યા છે.
આ પહેલાં બપોરે ઢાકા હાઈકોર્ટે ગુરુવારે બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માગને ફગાવી દીધી હતી. કોર્ટમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું હતું કે અમે ઇસ્કોનની ગતિવિધિઓ સામે જરૂરી પગલાં લીધાં છે. આ મુદ્દો સરકારની પ્રાથમિકતા છે.
સરકારે કહ્યું હતું કે ઇસ્કોન કેસમાં અત્યારસુધીમાં 3 કેસ નોંધાયા છે અને 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશમાં કોઈપણ પ્રકારની અશાંતિને રોકવા માટે સેના તહેનાત કરવામાં આવી છે.ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો આ યોગ્ય સમય છે.
એના પર કોર્ટે કહ્યું હતું કે આનો નિર્ણય સરકાર કરશે. હકીકતમાં ઇસ્કોન મંદિરના પ્રમુખ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની રાજદ્રોહના આરોપમાં ધરપકડ થયા બાદ સંગઠનને લઈને વિવાદ વધી રહ્યો છે. દાસને જેલમાં મોકલ્યા બાદ બાંગ્લાદેશમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી. આ ઉપરાંત આના કારણે બાંગ્લાદેશ અને ભારત સરકારના સંબંધોમાં પણ તિરાડ પડી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં ઇસ્કોન મુદ્દે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાત કરી છે. વિદેશમંત્રીએ તેમને ત્યાંની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
એ જ સમયે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ આ મામલે કેન્દ્રની સાથે છે. વિધાનસભામાં આ મુદ્દા પર બોલતાં મમતાએ કહ્યું હતું કે તેમણે બંગાળમાં ઇસ્કોન સાથે વાત કરી છે.
મમતાએ કહ્યું-અમે નથી ઈચ્છતા કે કોઈ ધર્મને નુકસાન થાય. મેં ઇસ્કોન સાથે વાત કરી છે, પરંતુ આ બીજા દેશની વાત છે અને કેન્દ્ર સરકારે એના પર પગલાં લેવા જોઈએ. અમે આ મુદ્દે તેમની સાથે ઊભા છીએ.
એ જ સમયે ભારતમાં ઇસ્કોનના કોમ્યુનિકેશન ડાયરેક્ટર બ્રિજેન્દ નંદન દાસે બાંગ્લાદેશમાં ઇસ્કોન આતંકવાદી અને કટ્ટરવાદી સંગઠન હોવાના આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં કોઈપણ આ આરોપોને સ્વીકારશે નહીં.દાસે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જરૂરિયાતમંદોને મદદ કરનારા અને ભંડારાનું આયોજન કરનારા ભક્તોની હત્યા કરવામાં આવી છે. મને આશા છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર ગુનેગારો સામે કડક પગલાં લેશે અને હિન્દુઓને સુરક્ષા આપશે.
26 નવેમ્બરે ચટગાંવમાં ઇસ્કોન ચીફના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા, જેના પગલે વકીલ સૈફુલ ઇસ્લામ હિંસામાં જીવ ગુમાવ્યો હતો. આ પછી 27 નવેમ્બરે બાંગ્લાદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ઇસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી હતી.
અરજી દાખલ કરનાર વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સૈફુલના મોત પાછળ ઇસ્કોનના લોકોનો હાથ છે. આવી સ્થિતિમાં આ સંગઠન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ અરજીમાં ચટગાંવમાં ઈમર્જન્સી જાહેર કરવાની પણ માગ કરવામાં આવી હતી. આ અરજી પર બાંગ્લાદેશના એટર્ની જનરલ મુહમ્મદ અસદુઝમાને ઇસ્કોનને ધાર્મિક કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું હતું.
કોણ છે ચિન્મય પ્રભુ, જેમની ધરપકડ પર ભારત બાંગ્લાદેશથી ગુસ્સે થયું ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીનું સાચું નામ ચંદન કુમાર ધર છે. તેઓ ચટગાંવ ઇસ્કોનના વડા છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે પીએમ શેખ હસીનાએ 5 ઓગસ્ટ 2024ના રોજ દેશ છોડી દીધો હતો. આ પછી હિન્દુઓ વિરુદ્ધ મોટા પાયે હિંસક ઘટનાઓ બની.
આ પછી બાંગ્લાદેશી હિન્દુઓ અને લઘુમતીઓનાં હિતોની રક્ષા માટે સનાતન જાગરણ મંચની રચના કરવામાં આવી. ચિન્મય પ્રભુ તેના પ્રવક્તા બન્યા. સનાતન જાગરણ મંચ દ્વારા ચિન્મયે ચટગાંવ અને રંગપુરમાં ઘણી રેલીઓને સંબોધી હતી, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.
શા માટે ચિન્મય પ્રભુની ધરપકડ કરવામાં આવી? 25 ઓક્ટોબરના રોજ સનાતન જાગરણ મંચે 8 મુદ્દાની માગ સાથે ચટગાંવના લાલદીઘી ગ્રાઉન્ડમાં રેલી યોજી હતી, જેમાં ચિન્મય કૃષ્ણદાસે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ ન્યૂ માર્કેટ ચોકમાં આઝાદી સ્તંભ પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ ધ્વજ પર ‘આમી સનાતની’ લખેલું હતું.
રેલી બાદ 31 ઓક્ટોબરે બેગમ ખાલિદા જિયાની BNP પાર્ટીના નેતા ફિરોઝ ખાને ચટગાંવમાં ચિન્મય કૃષ્ણદાસ સહિત 19 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ કર્યો હતો. તેમના પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે.
ચિન્મય પ્રભુની ધરપકડ કેવી રીતે થઈ? બાંગ્લાદેશ પોલીસે સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ધરપકડ કરી હતી. તેઓ ચટગાંવ જઈ રહ્યા હતા. ઘટનાસ્થળે હાજર ઇસ્કોનના સભ્યોએ જણાવ્યું હતું કે ડીબી પોલીસે કોઈ ધરપકડ વોરંટ દર્શાવ્યું નથી. તેમણે ફક્ત કહ્યું હતું કે તેઓ વાત કરવા માગે છે. આ પછી તેઓ તેને માઈક્રોબસમાં બેસાડીને લઈ ગયા.
ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચ (ડીબી)ના એડિશનલ પોલીસ કમિશનર રેઝાઉલ કરીમ મલિકે જણાવ્યું હતું કે પોલીસની વિનંતીને પગલે ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ કરવામાં આવી હતી. ચિન્મયદાસને કાયદાકીય પ્રક્રિયા માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે