સીઆઈડી ક્રાઈમ સતત ત્રીજા દિવસે હિંમતનગરમાં તપાસ માટે પહોંચી હતી. બીઝેડ ગ્રુપના સ્કેમને લઈ તપાસનો સતત ધમધમાટ ચાલુ છે ત્યારે, ઝાલાનગર-ભૂખ્યાડેરા ગામે સીઆઈડીની ટીમો પહોંચી પહોંચી હતી. જ્યાં મોંઘીદાટ ત્રણ લક્ઝુરિયસ કાર સીઝ કરી CID ક્રાઇમ ઓફિસ ગાંધીનગર ખાતે લઈ જવામાં આવી હતી. સાથે જ સીઆઈડીએ ભૂપેન્દ્ર ઝાલાના ઘરે સર્ચ પણ હાથ ધર્યું હતું.
BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં CID ક્રાઇમે 7 આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તમામ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક આરોપીના રિમાન્ડ માગતા ગ્રામ્ય કોર્ટે એક આરોપીના બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. નોંધનીય છે કે, BZ ગ્રૂપ દ્વારા 18 ટકા વ્યાજ સહિતની લાલચ આપી લોકો પાસેથી 6000 કરોડ ઉઘરાવ્યા છે. BZ ગ્રૂપના બે એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર પણ CID ક્રાઇમને મળી આવ્યા છે.
લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાના કેસમાં CID ક્રાઇમે મયૂર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશીક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. સૂત્રધાર મયૂર દરજીના 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી મયૂર BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે રહી ગ્રાહકો પાસેથી રોકાણ કરાવતો હતો.
મયૂરે BZ ગ્રુપમાંથી એક ફોર્ચુનર ગાડી તથા નાણાકીય લાભ મેળવ્યો છે, તેની તપાસ કરવાની છે. આરોપી મયૂર દરજીએ લોકોને રોકાણ કરાવી નાણા પડાવ્યા છે અને તેમાંથી કઇ કઇ મિલકત વસાવી છે, આરોપી સાથે સંડોવાયેલ અન્ય આરોપીઓના શું શું રોલ છે, આરોપીઓએ કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે તે પૈસા ક્યાં છે અને કોની પાસે છે, આરોપીઓ મેઇન હેડ ઓફિસમાં ગ્રાહકોના નાણા મેળવી ક્યાં રાખતા હતા, આરોપીઓના બેંક એકાઉન્ટ સહિતની વિગતો તપાસ કરવાની છે, આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સિવાય અન્ય કોનો કયો રોલ છે સહિતના મુદ્દાની તપાસ માટે 10 દિવસના રિમાન્ડની જરૂર છે. આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસ જે મુદ્દે રિમાન્ડ માગી રહી છે તેમાં આરોપીની હાજરીની કોઇ જ જરૂર નથી, પોલીસને તપાસમાં સહકાર આપ્યો છે તેથી રિમાન્ડ ન આપવા જોઇએ.
હાલમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઇ રહ્યો છે, જેમાં BZના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કરી રહ્યા છે.
બીઝેડ ગ્રુપ પર દરોડા બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. એ બાદ ધવલસિંહ ઝાલાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તમામ નાગરિકોને કહેવા માગું છે કે જે પ્રકારે મારો વીડિયો ચાલ્યો છે અને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારીમચડીને લોકો સમજી રહ્યા છે તેમજ ક્યાંક બતાવી રહ્યા છે, તો એવા સંજોગોમાં સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છે કે એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે, જેની અંદર એકથી વધીને બે અને બેથી વધીને ત્રણ કે ચાર. એટલે 5 હજારથી લઈને 25 કે 50 હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે. હું એજ્યુકેશનની વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું, એટલે વિશ્વાસ અપાવી સંસ્થાનો ગ્રોથ થાય એના માટેની ચર્ચા કરી છે. આ વાતને બીજી કોઈ રીતે ગણવી નહીં, એમ ધવલસિંહ ઝાલાએ બધાને અપીલ કરી હતી.
BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખરીદ્યા બાદ વધુ એક શૈક્ષણિક સંસ્થા ખરીદી હતી. હિંમતનગરના રાયગઢ ગામે બીઝેડ ગ્રુપે નવી ખાનગી શાળા અંદાજે 2 કરોડ જેટલી રકમમાં ખરીદી હતી અને એનું નામ ‘બીઝેડ સંસ્કાર સ્કૂલ’ નામ રાખ્યું હતું. એકના ડબલ કરવા ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનું વેચાણ બાદ શૈક્ષણિક સંસ્થાઓને પણ બીઝેડ ગ્રુપ ખરીદી રહ્યું હતું.