ભાવનગર જિલ્લામાં દીકરીઓની હત્યાની કોશિશ અને માતાના આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. એક માતાએ તેની બે દીકરી પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. ત્યાર બાદ તેણે પણ સળગી મરવાનો પ્રયાસ કર્યો છે. હાલ તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
ભાવનગર જિલ્લાના હાથબ ગામે આવેલા હાથબ બંગલા પાસે એક વાડીમાં ખેતમજૂરી કરતાં શ્રમજીવીની પત્નીએ આજે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર પગલું ભર્યુ હતું. તેણે સૌપ્રથમ તેના ઘરમાં કોઈ જ્વલનશીલ પ્રવાહી બે દીકરી પર છાંટીને કાંડી ચાંપી. ત્યાર બાદ પોતાના પર પણ આ પ્રવાહી છાંટી કાંડી ચાંપી દીધી હતી. એમાં મહિલા તથા તેની પુત્રીઓ ભડભડ સળગી ઊઠી હતી.
આ બનાવની જાણ પતિ તથા આસપાસના રહીશોને થતાં સૌ દોડી આવ્યા હતા અને પરિણીતા તથા દીકરીઓ પર લાગેલી આગ બુઝાવી હતી. ત્યાર બાદ તાત્કાલિક સારવાર અર્થે તેમને સૌપ્રથમ કોળિયાક સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
માતા તથા પુત્રીઓને અહીં આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. અહીં ત્રણેયની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભાવેશ તથા અન્ય પરિવારજનોનાં નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.