છત્તીસગઢના ગૌરેલા-પેન્ડ્રા-મારવાહી જિલ્લામાં મંગળવારે કોલસા ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. એન્જિન સહિત 23 કોચ પાટા પરથી ઉતરી જતા પલટી ગયા. માલગાડી બિલાસપુર તરફ જઈ રહી હતી ત્યારે ભનવારટંક રેલવે સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની જાણ થતાં જ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ કાર્ય શરૂ થઈ ગયું છે. માલગાડીના ડબ્બા પલટી જવાને કારણે ટ્રેક પર કોલસાનો ઢગલો થઈ ગયો હતો, જેના કારણે આ રૂટ પરથી પસાર થતી 6 ટ્રેનો રદ કરવામાં આવી છે. 9ના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
અકસ્માતમાં અપ અને ડાઉન બંને લાઇનને સંપૂર્ણ નુકસાન થયું હતું. માર્ગ પર ગાડીઓની અવર-જવર ફરી શરુ કરવામાં 2 દિવસથી વધુ સમય લાગી શકે છે. અકસ્માતમાં OHE તાર અને સિગ્નલના થાંભલાને પણ નુકસાન થયું હતું. આ અકસ્માતમાં રેલવેને કરોડોનું નુકસાન થવાની આશંકા છે. અપ અને ડાઉન બંને માર્ગો પરનો અવર-જવર સંપૂર્ણપણે અસર થઈ છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે અકસ્માતનો અવાજ સાંભળીને તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન માલગાડીના ડબ્બા પલટી ગયા હતા. અકસ્માત કેવી રીતે થયો તેની તેમને જાણ નથી. આ ઘટનાને કારણે બિલાસપુર-પેન્ડ્રારોડ-કટની રેલવે રૂટ પરની તમામ ટ્રેનોને અસર થઈ છે. અકસ્માત બાદ શહડોલ-બિલાસપુર મેમુ પેન્ડ્રા રોડ રેલવે સ્ટેશન પર ઉભી છે. માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ટ્રેક ક્લિયર કરવાનું શરૂ કર્યું હતું.
મુસાફરોની સુવિધા માટે, બિલાસપુર, રાયગઢ, અનુપપુર, શાહડોલ, ઉસલાપુર, દુર્ગ, રાયપુર અને ગોંદિયા સહિતના મહત્વના સ્ટેશનો પર “મે આઈ હેલ્પ યુ” બૂથ બનાવવામાં આવ્યા છે.