આંખમાં મરચાની ભૂકી નાખી ગળામાં ચપ્પુ ઝીંક્યું, CCTV : સુરતમાં જ્વેલર્સ પર હુમલો કરનારા ત્રણેય લૂંટારા સકંજામાં

સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે ‌શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં 22 નવેમ્બરના રોજ બપોરે ગ્રાહકના સ્વાંગમા આવેલા ત્રણ લૂંટારૂએ લૂંટ ચલાવી હતી. જેમાં જ્વેલર્સના માલિક અને કારીગરને ગળાના ભાગે ચપ્પુના છ ઘા મારી 4,800 રૂપિયાની કિંમતની ચાંદીની 6 વીંટી લઈ ફરાર થઇ ગયા હતા. લૂંટના આ ગુનામાં ક્રાઇમ બ્રાંચ અને ભેસ્તાન પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી ત્રણેય લૂંટારૂને દબોચી લીધા હતા. જ્વેલર્સને ત્યાં લૂંટ કરવા પૂર્વે આ ત્રણેય લૂંટારૂએ રેકી કરી હતી. એટલું જ નહીં લૂંટારૂઓ પોતાની સાથે મરચાંની ભૂકી પણ લાવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં નજરે પડે છે કે આરોપી પહેલા મરચાંની ભૂકી નાખી છે અને પછી ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે.

ગ્રાહકના સ્વાંગમા આવેલા શખસોએ લૂંટ ચલાવી હતી બપોરના સમયે શો રૂમ માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસીલાલ ગુર્જર શો રૂમ પર હાજર હતા. તે દરમિયાન ત્રણ શખસો અહીં આવ્યા હતા અને આશરે 10થી 15 મિનીટ ચાંદીના દાગીના જોયા બાદ બે આરોપીએ શો રૂમ માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસીલાલ ગુર્જર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં તેઓના ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકતા બન્ને લોહીલુહાણ થઇ ગયા હતા.

બીજી તરફ ત્યાં બુમાબુમ થતા લોકો એકઠા થઇ ગયા હતા અને લોકોએ ભાગી રહેલા ત્રણ આરોપી પૈકી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બીજી તરફ ઇજાગ્રસ્ત શો રૂમ માલિક અને કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા અને આ મામલે તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ 4800 રૂપિયાની કિંમતની ચાંદીની 6 વીંટીની લૂંટ કરી હતી. આ ઘટનામાં એક આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તો બીજા આરોપીને લીંબાયત પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

બનાવ અંગે એસીપી નીરવ ગોહિલએ જણાવ્યું હતું કે, ત્રણ આરોપીઓ પૈકી લોકોના હાથે ઝડપાયેલા આરોપીનું નામ આમીર ઈર્શાદ અંસારી છે અને તે મૂળ ઉતર પ્રદેશનો વતની છે. તે સુરતમાં સલુનનું કામ કરે છે. બીજા આરોપી અહેમદ રઝા સૈદુલ અંસારી મૂળ બિહારનો વતની છે અને તે ખાતામાં સિલાઈનું કામ કરતો હતો. જ્યારે ત્રીજા આરોપી દિલનવાઝ મોહમદ માસુમ શેખ છે તે મૂળ બિહારનો વતની છે અને સુરતમાં માર્કેટમાં છૂટક મજુરીનું પણ કામ કરતો હતો. સાથે જ મિનરલ વોટરની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો. ઘણા વર્ષોથી ત્રણેય આરોપીઓ સુરત ખાતે રહેતા હતા.

હાલ સુધીની તપાસ દરમિયાન આરોપીનો ગુનાહિત ઈતિહાસ જણાય આવ્યો નથી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓ ચપ્પુની સાથે મરચાંની ભૂકી પણ લઇને આવ્યા હતા અને તેઓએ મરચાની ભૂકી પણ નાખી હતી. સ્થળ પરથી મરચાંની ભૂકી ભરેલી પ્લાસ્ટિકની બેગ પણ તપાસ અર્થે કબજે કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપીઓએ જવેલર્સની દુકાનની રેકી પણ કરી હોવાનું જણાઇ આવ્યું છે.