અમદાવાદ મહાનગરપાલિકાની 714 જુનિયર ક્લાર્કની ભરતી માટે આજે અમદાવાદના 300થી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી કુવૈસ પ્રાથમિક-માધ્યમિક શાળાના કેન્દ્ર પર કેટલાક પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. જો કે, AMCના ફરજ પરના અધિકારીએ પેપર ફૂટ્યું હોવાની વાત નકારી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પરીક્ષાર્થીઓએ કરેલા હોબાળાના વીડિયો સાથે ટ્વીટ કરતા દોડધામ મચી હતી.
સરખેજમાં આવેલી કુવૈસ પ્રાથમિક-માધ્યમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે, અમદાવાદ મનપાના વહીવટી વિભાગના ડેપ્યુટી કમિશનર આર્જવ શાહે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું કોઈ પેપર ફૂટ્યું નથી. સરખેજ વિસ્તારમાં આવેલા એક પ્રાથમિક શાળાના સેન્ટર ઉપર બે-ચાર વિદ્યાર્થી દ્વારા ઓએમઆર શીટ (આન્સર સહિત)ના નંબરને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી દ્વારા જે આન્સર સીટ આપવામાં આવી છે. તેમાં પ્રિન્ટિંગ નંબરને લઈને તેઓને વાંધો પડતા ચારથી પાંચ વિદ્યાર્થીઓએ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા, તેઓને પરીક્ષા આપવા દેવામાં આવી નથી અને હોબાળો મચાવવામાં આવ્યો હતો. સેન્ટર પર હાજર અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા, પરંતુ તેઓ આ બાબત સમજી રહ્યા નથી જેથી પોલીસને જાણ કરવામાં આવી છે અને હાલ પોલીસ પણ સેન્ટર પર પહોંચી છે.
કુવૈસ પ્રાથમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીએ કહ્યું હતું કે, આ કેન્દ્ર પર કુલ 10 બ્લોક છે. પરીક્ષાનો સમય 12-30 કલાકનો હતો પણ અમને 1 વાગ્યે OMR શીટ આપી હતી. મારો સીટ નંબર અને OMR સીટ નંબર અલગ છે. અમદાવાદ મનપાની ખામી છે.
આ પરીક્ષા માટે માત્ર અમદાવાદમાંથી જ નહીં, પરંતુ રાજ્યભરના અલગ-અલગ જિલ્લામાંથી ઉમેદવારો પહોંચ્યા હતા. આ પરીક્ષા 100 માર્કસની હતી, જેમાં તમામ પ્રશ્નો MCQ આધારિત હતાં. આ પરીક્ષા દોઢ કલાક સુધી યોજાઈ હતી. તમામ ઉમેદવારોનું ચેકિંગ કર્યા બાદ 11:30 વાગ્યે કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પરીક્ષામાં પરીક્ષાર્થી આવ્યાં ત્યારથી રવાના થાય ત્યાં સુધીનું સીસીટીવીમાં રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે.