દાહોદ તેમજ પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ મળી કુલ 13 ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 3 ઈસમો દાહોદના માતવા ગામે જંગલ વિસ્તારમાં ભેગા થઈ ચોરીના મુદ્દામાલની વહેંચણી કરતાં હોવાની બાતમી દાહોદ એલસીબી પોલીસને મળતાંની સાથે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો. જેમાં 3 આરોપીઓને ઝડપી પાડી તેઓની પાસેથી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.7,03,144/-નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં.
દાહોદ જિલ્લામાં તેમજ આસપાસના જિલ્લાઓમા છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી સહિતના બનાવોમાં ઘરખમ વધારો નોંધાયો છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા દાહોદ જિલ્લાની તમામ પોલીસને આપવામાં આવેલ સુચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ આવા ગુનાઓને શોધી કાઢવા માટે કામગીરી કરી રહી છે ત્યારે ગતરોત દાહોદ એલસીબી પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સના માધ્યમથી મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાઓ મળી કુલ 13 સ્થાનોમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર આરોપીઓ દાહોદના માતવા ગામે જંગલમાં બનાવવામાં આવેલ ઓરડીમાં ચોરીના મુદ્દામાલની વહેંચણી એટલે કે, ભાગ પાડવા માટે ભેગા થનાર છે.
આ બાતમીના આધારે પોલીસે વિસ્તારમાં વોચ ગોઠવી ઉભા હતાં. ત્યારે આ 13 ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર આરોપીઓ મનુ ઉર્ફે મનીયા મડીયાભાઈ પલાસ, રમસુ કાળીયા કળમી (બંન્ને, રહે. માતવા, તા.ગરબાડા, જિ.દાહોદ) અને કેશુ ધના કોચરા (રહે. વજેલાવ, ભુતવડ ફળિયા, તા.ગરબાડા, જિ.દાહોદ) નાઓ જંગલમાં બનાવેલ ઓરડીમાંથી ઝડપી પાડી સ્થળ પરથી પોલીસે ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી પોલીસે કુલ રૂા.7,03,114/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉપરોક્ત ઝડપાયેલ ત્રણ આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળી દાહોદ જિલ્લાના લીમખેડા, દાહોદ તાલુકા, લીમડી, પંચમહાલના મોરવા, પંચમહાલના શહેરા, પંચમહાલના ગોધરા,, પીપલોદ, દુધિયા, સ્થળોએ મળી કુલ 13 ચોરીઓને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓના અન્ય સાગરીતોના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.