વડોદરા સાયબર ક્રાઇમે ફરિયાદીને 32 લાખ પરત અપાવ્યા, ડિજિટલ અરેસ્ટથી બચવા પોલીસ કમિશનરે આપી મહત્ત્વની ટિપ્સ

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્ય સહિત દેશમાં ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવી લેવાના બનાવોમાં વધારો થયો છે. વડોદરા શહેરના એક નામાંકિત ડોક્ટરને મુંબઈ સાયબર ક્રાઈમના નામે ડિજિટલ અરેસ્ટ કરી 32 લાખ જેવી માતબર રકમ પડાવી લેનારી ટોળકીના ચાર સાગરીતને વડોદરા સાયબર ક્રાઈમે દબોચી લીધા છે. મહત્ત્વની વાત એ છે કે વડોદરા પોલીસે ભોગ બનનારા તબીબને 32 લાખ રૂપિયાની રકમ પણ પરત અપાવી છે. તબીબને ડિજિટલ અરેસ્ટ કરી રકમ જે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી એ ખાતા સામે 130 જેટલી ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી લોકો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે ત્યારે એનાથી લોકોને બચવા માટે વડોદરા પોલીસ કમિશનરે કેટલીક મહત્ત્વની ટિપ્સ આપી હતી.

વડોદરા શહેરમાં રહેતા તબીબને થોડા સમય પહેલાં કુરિયરમાંથી એક ફોન આવ્યો હતો, જેમાં સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે તમારા નામનું એક કુરિયર બેંગકોક જઈ રહ્યું છે, જેમાં ગેરકાનૂની વસ્તુ છે. આ બાબતે અમે મુંબઈ ક્રાઈમ બ્રાંચને જાણ કરી રહ્યા છીએ. એની ગણતરીની મિનિટોમાં જ મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામ પર ફરિયાદી પર બીજો ફોન આવ્યો હતો.

મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે આરોપીઓએ ફોન કરી ફરિયાદીનું વીડિયો નિવેદન લેવા કહ્યું હતું. એના માટે ફરિયાદીને પોતાના મોબાઈલમાં સ્કાઈપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી બોલી રહેલા લોકોએ ફરિયાદીનું વર્ચ્યુઅલી નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીને વિશ્વાસ બેસે એ માટે સામા પક્ષેથી મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામના લેટર અને ફરિયાદીની અંગત માહિતી પણ મોકલવામાં આવી હતી. ત્યાર બાદ અલગ અલગ રીતે ડરાવીધમકાવી ફરિયાદી પાસેથી અલગ અલગ બે બેંક ખાતાંમાં કુલ રૂપિયા 32,50,000 ઓનલાઈન માધ્યમથી ટ્રાન્સફર કરાવ્યા હતા.

ડિજિટલ અરેસ્ટ મામલે વડોદરા સાયબર ક્રાઈમે બે મુંબઈ અને અમદાવાદ-સુરતના એક-એક આરોપી સહિત કુલ ચારની અટકાયત કરી છે.

  • ઇબનુસિયાદ પી. અબ્દુલ સલીમ (ઉં.વ. 30, ધંધો- રિયલ એસ્ટેટ, રહે. નવી મુંબઈ)
  • અસરફ અલ્વી (ઉં.વ.36, ધંધો- રિયલ એસ્ટેટ, રહે. નવી મુંબઈ)
  • ધીરજલાલ લીંમ્બાભાઇ ચોથાણી (ઉં.વ.63 ધંધો. નિવૃત્ત, રહેવાસી: નિકોલ અમદાવાદ)
  • પ્રિન્સ મહેન્દ્રભાઇ રવીપરા (ઉં.વ.20 ધંધો. રહેવાસી: કામરેજ સુરત)

વડોદરા પોલીસે જે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે તે પૈકીના એક ઇન્નુસિયાદ પી. અબ્દુલ સલીમ અને અસરફ અલ્વી કંપનીના ડાયરેકટર છે, જેમણે કંપનીના નામે બેંક એકાઉન્ટ ખોલાવેલું અને એ બેંક એકાઉન્ટ વેચીને પોતાનો આર્થિક લાભ મેળવેલો અને આ બેંક ખાતામાં ફરિયાદીએ રૂપિયા 7,50,000 ઓનલાઇન માધ્યમથી ટ્રાન્સફર કર્યા હતાં. આ બેન્ક ખાતા પર કુલ 130 જેટલી NCCRP પોર્ટલ પર ફરિયાદ થયેલી છે.

ફરિયાદીએ જે બેંક ખાતામાં રૂપિયા 7,50,000 ટ્રાન્સફર કર્યા હતા એ બેંક ખાતામાંથી ફરિયાદીના રૂપિયા 5,47,501 આરોપી ધીરજલાલ લીમ્બાભાઇ ચોથાણીના બેંક ખાતામાં, સહઆરોપી પ્રિન્સ મહેન્દ્રભાઇ રવિપરાએ થર્ડ પાર્ટી USDT વેચીને ટ્રાન્સફર કરાવ્યા હતા, જે પૈસા આરોપી ધીરજલાલ લીંમ્બાભાઇ ચોથાણીએ રોકડ ઉપાડી પોતાનું કમિશન લઈ લીધું હતું.

ડિજિટલ અરેસ્ટથી બચવા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો ડિજિટલ અરેસ્ટના બનાવો વધી રહ્યા છે ત્યારે આ પ્રકારના બનાવોથી લોકોએ કઈ રીતે બચવું એ અંગે વડોદરા પોલીસ કમિશનર દ્વારા કેટલીક મહત્ત્વની જાણકારી આપવામાં આવી હતી.

પોલીસ ક્યારેય કોઈને ડિજિટલ અરેસ્ટ કરતી નથી

  • અજાણ્યા નંબર પરથી આવતા કુરિયર અંગેના કોલની ખરાઇ કરીને જ આગળ વધવું, સોશિયલ મીડિયા પર પોલીસ તરીકેની ઓળખ આપવામાં આવે તો એની ખરાઇ કરવી.
  • અજાણ્યા લોકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરવાનું ટાળવું તેમજ પોતાની વ્યક્તિગત માહિતી શેર ના કરવી.
  • ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન દરમિયાન જે વ્યક્તિ ક્રિપ્ટો વેચે તેના જ બેંક ખાતામાંથી રૂપિયા લેવાનો આગ્રહ રાખવો.
  • પોતાનું બેન્ક ખાતું કે સિમકાર્ડ કોઈપણ વ્યક્તિને કોઈપણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવા જોઈએ નહીં, એના ગેરકાયદે ઉપયોગ માટે તમે કાયદેસર જવાબદાર બનો છો.
  • જો આપ કોઈપણ સાયબર કાઈમના ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમનો સંપર્ક કરો અથવા હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરવો.