ગોધરા શહેરમાં એક 15 વર્ષીય સગીરનું તેના જ મિત્રો દ્વારા અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા નીપજાવી લાશને તળાવમાં નાખી દીધાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની વિગત એવી છે કે, સગીરને એક મિત્ર બાઈકમાં લઈ અન્ય મિત્રોને સોંપી ત્યાંથી જતો રહે છે. જે બાદ તે મિત્રો મૃતક સગીરને એક અવાવરું જગ્યાએ લઈ જાય છે. ત્યાં એક મિત્ર ફરી પાછા મળે છે અને ત્રણેય સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરી લાશને તળાવમાં ફેંકી દઈ ત્યાંથી ફરાર થઈ જાય છે. હાલ તો આ ત્રણેય મિત્રો સામે વેજલપુર પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો આધારીત ફરિયાદ નોંધી પોલીસે ત્રણેયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વેજલપુરના મોટા મહોલ્લા ખાતે રહેતા પિતાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓના સગીર વયના દીકરાના મિત્રો આરીફ ઉર્ફે ડિંગુ યાકુબ પાડવા અને ઇમરાન ઉર્ફે ઇનાન પથીયા તથા અન્ય એક સગીર તેમના સગીર દીકરાને મળ્યા હતા. જે બાદ તેને બાઇક પર બેસાડી ચલાલી રોડ ઉપર આવેલા મહાદેવ મંદિર પાસે પ્લોટીંગ વાળી જગ્યાની પાછળ લઈ ગયા હતા. જ્યાં બળજબરી પૂર્વક સગીરના કપડાં કાઢી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યાર બાદ મરણજનાર સગીર વયના યુવક પોતાના ઘરે ના કહી દે તે બીકના કારણે સગીરનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો અને આરોપી ઇમરાન પથીયાની મદદથી આરીફ ઉર્ફે ડિંગુ પાડવાએ અન્ય આરોપી સગીર સાથે મળી લાશને ચલાલી ચોકડી પાસે આવેલા મોટા તળાવમાં નાખી દીધી હતી. જેના કારણે મરણજનારના પિતાએ વેજલપુર પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાને લઈને દિવ્ય ભાસ્કરે મૃતકના ભાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓનો નાનો ભાઈ ગત 21/11/2024ના રોજ રાત્રિના 8:30 વાગ્યાથી 9:00 વાગ્યાના રોજ જમી પરવારીને બજારમાં ગયો હતો. જ્યાં એક સગીર પોતાની બાઈક ઉપર વેજલપુરના હોળી ચકલા વિસ્તારમાં આવ્યો હતો. ત્યાર બાદ તેના ભાઈને બેસાડી સગીર બાઇક લઈને જતા રહ્યાં હતા. જે બાદ ચલાલી ચોકડી ઉપર ઊભા રહેલા બે મિત્રો પાસે મારા નાના ભાઈને છોડી ચાલ્યા ગયા હતા. જ્યાં અન્ય બે મિત્રોએ સગીરને હોટલમાં જમવાની લાલચ આપી અને ચલાલી રોડથી થોડે દુર આવેલા મહાદેવ મંદિરની પાછળ લઈ ગયા હતા. જ્યાં તેની સાથે બળજબરી પૂર્વક કપડા ઉતારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લાશને તળવામાં ફેંકી દીધી હતી. આથી ત્રણેય આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવું પરિવારના સભ્યો દ્વારા માગ કરી રહ્યા છે. બીજી બાજુ વેજલપુર પોલીસે ત્રણ હત્યારા વિરૂદ્ધ હત્યા અને પોક્સો હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.