ગિરનાર પર્વત પર અંબાજી મંદિરનાં મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઇને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને સંતો પણ સાંસારિક મનુષ્યોની જેમ જ એક બીજાની સામે આવીને આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. મહંત પદ માટે શરૂ થયેલી ખેંચતાણ દરમિયાન અખાડા પરિષદે પ્રેમગિરિ બાપુની મહંત પદે નિયુક્તિ કરતાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોંબ ફોડ્યો હતો. આ લેટર બોંબમાં વર્ષો પહેલાં અખાડા પરિષદના સેક્રેટરી હરિગિરિએ કેવી રીતે ભવનાથ મંદિર હડપ કર્યું એની વિગતો જારી કરી છે. આ લેટરમાં મહેશગિરિનો ધડાકો કર્યો છે કે, ભવનાથ મંદિરના મહંત હરિગિરીએ ભાજપને 5 કરોડ અને કલેક્ટર આલોકકુમાર પાંડે-રાહુલ ગુપ્તાને રૂ. 50 લાખ આપ્યા છે.
મહેશગિરિએ લેટરમાં ધડાકો કર્યો છે કે, હરિગિરિએ ભવનાથ મંદિરના મહંત તરીકે પોતાની કાયમી ધોરણે જૂનાગઢના કલેક્ટર દ્વારા નિમણૂંક થાય એ માટે જૂદા જૂદા 11 લોકોને રૂપિયા આપ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢના 2 કલેક્ટરો તેમજ ભવનાથના સંતોનો સમાવેશ થાય છે. આ પત્રની સામે મહેશગિરિએ હરિગિરિને જાહેરમાં એવો સવાલ કર્યો હતો કે, આ પત્ર શું છે એ સ્પષ્ટ કરો. આ પત્ર તમે અખાડામાં દેખાડીને પૈસા ઉપાડ્યા છે કે, ભવનાથ મંદિરના મહંત બનવા માટે રૂપિયા આપ્યાની સાબિતી ઊભી કરે છે, એનો જવાબ આપો. પત્ર જૂના અખાડાના લેટર પેડ પર લખાયો છે, જેમાં નીચે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી તરીકે હરિગિરિની સહી અને અખાડાનો ગોળ સિક્કો છે. આ તમામ લોકોએ પોતાને ભવનાથ મંદિરના મહંત બનવા માટે કલેક્ટરનો કાયમી હુકમ થાય એ માટે સહયોગ આપ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. આ અંગે હજી સામેથી હરિગિરિની પ્રતિક્રિયા આવી નથી. જેમની પ્રતિક્રિયા મેળવવા દિવ્ય ભાસ્કરે વારંવાર પ્રયત્ન કરવા છતાં તેમણે સંપર્કવિહોણા રહેવાનું જ પસંદ કર્યું હતું.
કોને કેટલા રૂપિયા આપ્યા એનો રકમ સાથે પત્રમાં ઉલ્લેખ
- ભારતીય જનતા પાર્ટીને 5 કરોડ રૂપિયાનું ફંડ
- કલેક્ટર આલોક કુમાર પાંડેને રૂ. 50 લાખ
- કલેક્ટર રાહુલ ગુપ્તાને રૂ. 50 લાખ
- મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુને રૂ. 50 લાખ
- સિદ્ધેશ્વરગિરિ મહંતને રૂ. 25 લાખ
- મહાદેવગિરિને રૂ. 25 લાખ
- મુક્તાનંદગીરી બાપુ કમંડલ કુંડ મહંતને રૂ. 25 લાખ
- શિવ ધૂણાવાળા મહંતને રૂ. 15 લાખ
- સેવાદેવી પુનિતાચાર્યને રૂ. 15 લાખ
- જયશ્રીગિરિ ગુરુ મહંત હરિગિરિ મહામંડલેશ્વરને રૂ. 25 લાખ
જૂનાગઢમાં ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરનાં મહંત તનસુખગિરિ બાપુ લાંબી બીમારીનાં અંતે ખાનગી હોસ્પિટલમાં 19 નવેમ્બર, 2024નાં રોજ દેવલોક પામ્યા હતા. જે બાદ તનસુખગિરિ બાપુની તેમના નિવાસ ભીડ ભંજન મંદિર ખાતે સનાતની પરંપરા મુજબ સમાધી અપાઈ હતી. જો કે, સમાધી યાત્રા દરમિયાન જ ગાદીને લઈ વિવાદ શરૂ થયો હતો. આ વિવાદમાં એક તરફ ભવનાથ મંદિરના મહંત હરિગિરિ મહારાજ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, તનસુખગિરિ સાથે રહેતા યોગેશપુરી, કિશોરભાઇ વગેરે છે. તો સામે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરિ બાપુ છે. બન્ને પક્ષકારો વચ્ચે ગાદીને લઇને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે. વિવાદ એટલો વકર્યો કે, બ્રહ્મલીન તનસુખગિરિ બાપુની પાલખી યાત્રા અને સમાધિના કાર્યક્રમમાં પણ ત્રણ વખત ફેરફાર કરવો પડ્યો હતો. આખરે મહેશગિરિને પાલખી યાત્રા છોડી જવું પડ્યું હતું અને તેઓ સમાધિની વિધિમાં પણ સામેલ થયા ન હતા. ત્યારે હવે જાણીએ કોણે શું કહ્યું જેમાં આ વિવાદ ઉભો થયો.