વડોદરામાં સતત ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ:લારીઓ બચાવવા સ્થાનિક લોકો અને દબાણ શાખા વચ્ચે મારામારી

શહેરના નાગરવાડામાં ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે સતત ચોથા દિવસે નવાપુરા મહેબુબપુરામાં રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા પહોંચી હતી. તે દરમિયાન સ્થાનિક લોકો અને દબાણ શાખાની ટીમ વચ્ચે મારામારી અને ઘર્ષણ થયું હતું. દેકારા-પડકારા વચ્ચે લારીઓ બચાવવા સ્થાનિક લોકો અને દબાણ શાખા વચ્ચે મારામારી થતાં દોડધામ મચી ગઇ હતી. પરિસ્થિતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ઉત્તેજના સાથે સન્નાટો છવાઇ ગયો હતો.

વડોદરા કોર્પોરેશન દ્વારા ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ દબાણો દૂર કરવાની ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંવેદનશીલ મચ્છી પીઠ, સલાટવાળા, નાગરવાડા, સંગમ ચાર રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તે બાદ ન્યાયમંદિર, દૂધવાળા મોહલ્લા, પથ્થરગેટ સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર ગેરકાયદેસર ઉભી રહેલી લારીઓના દબાણો તેમજ કાચા પાચા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તે બાદ આજે ચોથા દિવસે પાલિકાની દબાણ શાખા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નવાપુરા મહેબુબપૂરા ખાતે પહોંચી હતી.

પોલીસ બંદોબસ્ત સાથે નવાપુરા મહેબુબપુરામાં પહોંચેલી દબાણ શાખાની ટીમ દ્વારા રોડ ઉપરની લારીઓ જપ્ત કરવાની શરૂઆત કરતાંની સાથે જ સ્થાનિક લોકોના ટોળા અને લારીઓના માલિકોના ટોળા ધસી આવ્યા હતા અને પોતાની લારીઓ જપ્ત કરતાં બચાવવા માટે દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણમાં ઉતરી પડી હતી અને દબાણ શાખાના કર્મચારીઓ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. લોકોના ટોળેટોળા સ્થળ ઉપર આવી જતા દબાણ શાખાની ટીમ દ્વારા વધુ પોલીસ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

નવાપુરા મહેબુબપુરામાં પરિસ્થિતિ વણસે તે પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેસીપી મનોજ નીનામા, DCP લીના પાટીલ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચતા જ ઘર્ષણમાં ઉતરેલા સ્થાનિક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને નવાપુરા મહેબુબપુરામાં સન્નાટો છવાઈ ગયો હતો.

નવાપુરા મહેબુબપુરામાં ઘર્ષણ થયા બાદ પાલિકા દ્વારા દબાણ કામગીરી પડતી મુકી નવાપુરા ખાટકીવાડમાં રસ્તા ઉપરની કાચી પાકી દુકાનો અને શેડના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નવાપુરા ખાટકીવાડમાં પાલિકાની દબાણ શાખા જેસીબી સાથે પહોંચતા સ્થાનિક લોકોના ટોળે ટોળા વળી ગયા હતા. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ટોળાને વિખેરી નાખવામાં આવ્યું હતું. નવાપુરા ખાટકીવાડ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે રોડ ઉપરના તમામ કાચા-પાકા શેડ દૂર કરી અડધો કિલોમીટર ઉપરાંતનો રસ્તો ખુલ્લો કર્યો હતો. દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાને જણાવ્યું હતું કે, નવાપુરા મહેબુબપુરામાં દબાણો દૂર કરાયા બાદ નવાપુરા ખાટકીવાડ વિસ્તારમાં રસ્તા ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળેલી માહિતી પ્રમાણે નવાપુરા મહેબુબપુરામાં આજે સવારે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા અને સ્થાનિક લોકો વચ્ચે લારીઓ ઉઠાવવા બાબતે થયેલા ઘર્ષણ અને મારામારીના પગલે શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસ નવાપુરા વિસ્તારના એક શંકાસ્પદ વ્યક્તિની આ ઘટના સંદર્ભમાં અટકાયત કરી નવાપુરા પોલીસ મથક ખાતે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.

નવાપુરા મહેબુબપુરામાં દબાણ શાખા અને સ્થાનિક લોકો વચ્ચે થયેલા ઘર્ષણના પગલે સ્થાનિક તેમજ શહેરના વિવિધ વિસ્તારોના ભાજપા અગ્રણીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. પોલીસે આ બનાવના ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે નવાપુરામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

નવાપુરામાં બનેલી ઘટના અંગે JCP મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આવી હતી. તે દરમિયાન સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થયું હતું જોકે પોલીસ બંદોબસ્ત હોવાના કારણે મામલો શાંત પડી ગયો હતો. કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા બેથી વધુ લારીઓને જપ્ત કરવામાં આવી છે અને હાલ નવાપુરા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તે સાથે પેટ્રોલિંગ પણ ઘનિષ્ઠ બનાવી દેવામાં આવ્યું છે. આ ઘટનામાં હજુ સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી.