સુરતમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ભાઠા ખાતે ગ્રીન સિટી હોલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ધર્માંતરણ ચાલી રહ્યું હોવાની વાતો ફેલાતા ત્યાંના સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હંગામા થયા પછીના બીજા દિવસે સોસાયટીના સભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો તે હોલમાં પહોંચ્યા, જ્યાં કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિકોએ હોલની અંદર અને બહાર શુદ્ધિકરણ માટે ચાર ધામથી આવેલ ગંગાજળનો છંટકાવ પણ કર્યો.
ક્રિસમસ પૂર્વે આયોજિત ધાર્મિંક કાર્યક્રમમાં સ્થાનિકો પહોંચી ગયા હતા અને ધર્માંતરણ ચાલી રહ્યું હોવાની પોલીસને જાણ કરી હતી અને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. જોકે, પોલીસની તપાસમાં ધર્માંતરણ જેવી કોઈ પ્રવૃત્તિ ચાલતી નહીં હોવાનું બહાર આવ્યું હતું, આમ છતાં પોલીસે કાર્યક્રમ બંધ કરાવી 40 જેટલાં લોકોને પાલ પોલીસ સ્ટેશન તેડી લાવી હતી. મોડી રાત્રે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ લોકોના નિવેદન લેવાઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં વડોદરાથી ધાર્મિક અગ્રણીઓ આવ્યા હતા. આ કાર્યક્રમ માટે ભાઠા ગ્રીન સિટીના હોલ માટે પ્રમુખની મંજૂરી પણ મેળવાઈ હતી.
ગ્રીન સિટી બિલ્ડિંગ પાલમાં સાંજના છ વાગ્યે થયેલા મિશનરી સત્સંગ કાર્યક્રમમાં ભારે ઉહાપો થયો હતો. તેમાં લક્ઝરી બસમાં 50 કરતાં વધારે લોકોએ આવીને તેઓનાં ગાન ચાલુ કર્યા હતા. આ દરમિયાન કાર્યક્રમમાં એપાર્ટમેન્ટના સ્થાનિક યુવાનોને બોલાવવામાં આવ્યા હતા. તેમાં ગ્રીન સિટીના આ બિલ્ડિંગ નં.13માં મીશનરી કાર્યક્રમ શરૂ થતાની સાથે જ સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા. આ લોકોએ આ કાર્યક્રમ કરનાર યોગેશ પટેલને કાર્યક્રમ બંધ કરવા માટે જણાવ્યું હતું તથા એપાર્ટમેન્ટના સ્થાનિક યુવાનોને બહાર નીકળી જવા માટે સૂચના આપી હતી.
ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે, તેમને કોલ આવ્યા બાદ તેઓ ત્વરિત સ્થળ પર ઘસી ગયા હતા. આ એપાર્ટમેન્ટના રહીશોએ ફરિયાદ કરતાં તેઓએ લક્ઝરી બસમાં જ જે લોકો ગ્રીન સિટીમાં આવ્યા હતા, તે તમામ લોકોનાં પોલીસે નિવેદન લીધાં હતાં. સ્થાનિકોએ પોલીસને કોલ કર્યા પરંતુ, ફરિયાદ કરવા કોઈ તૈયાર નથી. આ મામલે પોલીસે સ્થાનિક રહીશોને ફરિયાદ કરવી હોય તો આગળ આવવા જણાવ્યું હતું. અલબત્ત, આ મામલે કોઈપણ સ્થાનિક રહીશ ફરિયાદ કરવા તૈયાર થયો ન હતો. ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે, તેઓને હાલમાં તો સામાન્ય સત્સંગ કાર્યક્રમ દેખાય છે પરંતુ, જો કોઇ ફરિયાદ આપવા તૈયાર થાય તો તેઓ ચોક્કસ ફરિયાદ કરશે.
આ વિવાદ બાદ પાલ પોલીસ સ્ટેશમમાં ડીસીપી રાકેશ બારોટે તમામ 40 લોકો જે શહેર બહારથી આવ્યા હતા તે લોકોનાં નિવેદન લીધાં હતાં. આ લોકોને બળજબરીપૂર્વક લાવવામાં આવ્યા છે કે, નહીં તેની ચકાસણી મોડી રાત્રે કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમની માહિતી મળતાં જ વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનના લોકો ત્યાં પહોંચ્યા. કાર્યક્રમને મધ્યમાં રોકવામાં આવ્યો અને હોલની અંદર “જય શ્રી રામ”ના નારા લગાવવામાં આવ્યા. પોલીસને જાણ થતા અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને 40 લોકોને ત્યાંથી લઈ ગયા તેમજ આયોજનકારો સાથે પૂછપરછ કરી.
વિશ્વ હિંદુ પરિષદના શહેર મંત્રી નિલેશ અકબરીએ જણાવ્યું કે, અમને માહિતી મળી હતી કે અહીં ભજન અને સત્સંગના નામે કાર્યક્રમ યોજાયો છે. ભજન અને સત્સંગ સાંભળીને લાગ્યું કે આ હિંદુ ધર્મનો કાર્યક્રમ હશે, પરંતુ અહીં પહોંચ્યા પછી ખબર પડી કે ખ્રિસ્તી ધર્મના લોકો અહીં કાર્યક્રમ કરી રહ્યા છે અને બહારથી આવેલા લોકો અહીં હાજર હતા. અમે કાર્યક્રમ રોક્યો અને આ અંગે પોલીસને જાણ કરી. જાણવા મળ્યું છે કે વડોદરાથી લોકો ધર્મના પ્રચાર-પ્રસાર માટે અહીં આવ્યા હતા, પરંતુ ભજન અને સત્સંગના નામે આ બધું ચાલી રહ્યું હતું.
સ્થાનિક લક્ષ્મી અગ્રવાલે જણાવ્યું કે, અહીં ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેની માહિતી અમને મળી હતી. અમે અહીં શુદ્ધિકરણ માટે ચાર ધામથી આવેલ ગંગાજળનો છંટકાવ કર્યો.