પાટણ મેડિકલ કોલેજ રેગિંગકાંડમાં ઝડપાયેલા 15 આરોપી વિદ્યાર્થીઓને સાથે રાખી પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે

પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું છે. આ બાદ રેગિંગને લઈ રોજ નવાં-નવાં રહસ્યો બહાર આવી રહ્યાં છે. મંગળવારે વાઇરલ થયેલા એક વોટ્સએપ ચેટિંગ પ્રમાણે પ્રથમ વર્ષ 200 વિદ્યાર્થીઓને પરિચયના નામે રેગિંગ કરવા જિલ્લા વાઈઝ ગ્રુપ બનાવીને બોલાવાતા હતા. જુનિયર મારફતે મેસેજ કરાતા હતા. બીજી બાજુ મંગળવારે 15 આરોપી વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા છે. સિનિયર્સ દ્વારા જુનિયરનું કઈ રીતે રેગિંગ કરાતું હતું એ અંગે પોલીસ આજે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે, જે બાદ આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરાશે.

આ અંગે તપાસ અધિકારી જે.પી.સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપી વિદ્યાર્થીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર થયા કર્યા છે. આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી કરવામાં આવશે. જે બાદ સાંજે 5:00 વાગે રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટ જે હુકમ કરશે એ હુકમ મુજબ આગળની કાર્યવાહી કરીશું.

શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતાં યુવકનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક એન્ટિ-રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જુનિયર વિદ્યાર્થીઓનાં નિવેદન લેવામાં આવતાં રેગિંગ થયાનું સામે આવ્યું હતું.

રેગિંગની ઘટનામાં આરોપી 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જે હાલ રિમાન્ડ પર છે. હવે આ વિદ્યાર્થીઓ એકેડેમીની કોઈપણ પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે અને મામલામાં જ્યાં સુધી કોર્ટનો ફાઇનલ ચુકાદો નહીં આવે ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ રહેશે. જેથી તેમનો પ્રવેશ હાલમાં સ્થગિત રહેશે. જેથી બીજી કોઈ કોલેજમાં પણ હવે આ પ્રવેશ લેવા જઈ શકશે નહીં.

યુનિવર્સિટી સંલગ્ન માત્ર મેડિકલ જ નહીં પરંતુ દરેક કોલેજોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એન્ટિ રેગિંગ કમિટી બનાવવાનો નિયમ હોય દરેક કોલેજમાં આ કમિટી કાર્યરત છે કે કેમ તેમજ ના હોય તો બનાવવા અને કમિટી દ્વારા કોલેજમાં વિદ્યાર્થીઓની પૂછપરછ કરી એક રિપોર્ટ તૈયાર કરી યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવે માટે પરિપત્ર કરીને સૂચના અપાશે. તેવું યુનિ.સૂત્રોએ જણાવ્યુ હતું.

ડોક્ટર બનવા તનતોડ મહેનત કરી પણ સપનું અઘરું રહ્યું મૃતક અનિલ મેથાણિયાના પરિવારના સભ્યએ જણાવ્યું હતુ કે, એકનો એક દીકરો અનિલ ભણવામાં હોશિયાર હોવાથી પિતા ડોક્ટર બનાવવા માગતા હતા. પિતાનું સપનું પૂર્ણ કરવા અનિલ ધોરણ 12મા બોર્ડની પરીક્ષામાં તો સારું પરિણામ લાવ્યો પરંતુ નીટની પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે છેલ્લા છ મહિનાથી તનતોડ મહેનત કરીને 600માંથી 550 ગુણ મેળવી સરકારી ધારપુર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ તેની સમગ્ર મહેનત અને તેનું ડોક્ટર બનવાનું સપના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેતાં જ માત્ર રેગિંગના કારણે મોત થતાં અધૂરું રહી ગયું છે.

UGCની સૂચના મુજબ કાર્યવાહી કરાશે: કુલપતિ યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.સી.પોરિયાએ જણાવ્યું હતું કે, યુ.જી.સી દ્વારા કોલેજ અને યુનિવર્સિટી સંકલન સાથે રેગિંગની ઘટના મામલે રિપોર્ટ માંગ્યો છે. જે અનુસંધાને યુનિવર્સિટી દ્વારા ડીન પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ રજૂ થયા બાદ યુજીસીમાં મોકલાશે જો કોઈ નિયમ ભંગ થતો હશે તો યુજીસીની સૂચના મુજબ કાર્યવાહી કરાશે.

ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે, હાલમાં 1200 છાત્રો અહીંયાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં બોય્સ 800 છે. જે જગ્યાએ ઘટના બની તે ત્રણ માળના બિલ્ડિંગમાં 90 વિદ્યાર્થીઓ રહે છે. આ મામલાને લઇ જે વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બન્યા હતા તેના પરિવારના સભ્યોને બોલાવી કાઉન્સેલિંગ કરી વિશ્વાસ અપાવ્યો છે. અને દરેક વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ હવે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને માટે રેગિંગ કમિટીમાં ઉચ્ચ અધિકારી, વિદ્યાર્થી, પોલીસ સહિતના સભ્યનો સમાવેશ કર્યો છે. દર અઠવાડિયે વિદ્યાર્થીની સમસ્યા સાંભળવામાં આવે છે અને દર ત્રણ મહિને કમિટીની મિટિંગ મળે છે.

આ 15 વિદ્યાર્થી હાલ રિમાન્ડ પર છે

  • અવધેશ પટેલ
  • હિરેન પ્રજાપતિ
  • તુષાર ગોહલેકર
  • પ્રકાશ દેસાઈ
  • જૈમિન ચૌધરી
  • પ્રવીણ ચૌધરી
  • વિવેક રબારી
  • ઋત્વિક લીંબાડિયા
  • મેહુલ ઢેઢાતર
  • સૂરજલ બદલદાણિયા
  • હરેશ ચાવડા
  • વૈભવકુમાર રાવલ
  • પરાગ કલસરિયા
  • ઉત્પલ વસાવા
  • વિશાલ ચૌધરી

આ 15 સિનિયર સ્ટુડન્ટ્સમાંથી મોટા ભાગના સ્ટુડન્ટસના પિતા પણ તબીબ હોવાનું સામે આવ્યું છે. ડીવાયએસપી કે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે જે પંદર સિનિયર સ્ટુડન્ટ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે તમામ પુખ્ત વયના (18 વર્ષથી મોટી ઉંમર)ના છે.