આગ્રા ઉત્તરપ્રદેશ ખાતે રહેતા ૬૦ વર્ષીય મનોજ પ્રશાંત મોહંતી દ્વારા કાલોલ પોલીસ મથકે આક્ષેપ કરતી લેખીત રજુઆતમાં જણાવેલ કે તેઓના મિત્રો મારફતે કાલોલ તાલુકાના પાની મુવાડી ગામના પવનકુમાર રણજીતસિંહ રાઠોડ સાથે સંપર્ક થયો હતો. પવનકુમાર રણજીતસિંહ રાઠોડે મનોજભાઇને 6/11/24 ના રોજ કાલોલ બોલાવ્યા હતા.પવનકુમાર તથા તેમના મામા દલપતસિંહ અમરસિંહ રાઠોડ તથા પૃથ્વીરાજસિહનાઓએ જાદુ ટોના દ્વારા મનોજભાઇને એક કરોડ રૂપિયા બતાવેલા અને તેમાંથી રૂ 500ના દરની બે નોટ વાપરવા આપી હતી.
પવનકુમારે મેલી વિદ્યાના ત્રણ ચાર વિડીઓ પણ બતાવેલ અને જણાવ્યુ હતુ કે તમે જેટલા લાખ રૂપિયા આપશો તેટલા કરોડ રૂપિયા કરી આપીશુ.પ્રયોગ જોઈને વિશ્વાસમાં આવી ગયેલા મનોજભાઇએ અલગ અલગ દિવસે 4.39 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ મનોજભાઇને પવનકુમાર સહીતનાઓ સાથે વોટસએપ ચેટિંગ અને ટેલિફોન થી 9/11/24 સુધી વાતચીત થઈ હતી. મનોજભાઇએ પોતાના નાણાં માગતા ભેજાબાજોએ પોતે વડોદરા હોવાનુ જણાવ્યું હતું.
ત્યારબાદ નાસિક જતા રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેઓના ફોન બંધ આવતા પવનકુમારના મામા અને તેમના પુત્ર નો સંપર્ક કરતા તેઓએ કોઇ જવાબ આપ્યો નહી. જેથી વેપારી મનોજ મોહંતીને પોતે છેતરાયા હોવાનું લાગતા કાલોલ પોલીસ મથકે યોજના પુર્વક કાવતરુ કરી મેલી વિદ્યાના ઓથા હેઠળ એકબીજાની મદદથી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી મનોજ ભાઇ પાસેથી રૂ4.39 લાખ પડાવી લીધા હોવાની આક્ષેપ કરતી લેખિત અરજી આપીને પવનકુમાર સહિત અન્ય 6 ઇસમો સામે ફરીયાદ નોધવાને કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.