અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જેમાં રાજ્યની સાત હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવાઈ છે. તો સાથે જ ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએમજેવાય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની એક હોસ્પિટલનો સમાવેશ થાય છે.
સાત હોસ્પિટલની સાથે-સાથે ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ડો. પ્રશાંત વઝીરાણી, ડો.હિરેન મશરૂ, ડો.કેતન કાલરિયા અને ડો.મિહિર શાહ છે.
રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરુએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી 2 કરોડથી વધુની રકમ અયોગ્ય રીતે ઓળવી લીધી હતી. જેમાં તેમણે સ્વસ્થ બાળકોને બીમાર બતાવ્યાં હતાં. આ માટે તેણે લેબ સાથે પણ સાઠગાંઠ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતાં આ સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
523 દર્દીના ખોટા રિપોર્ટ બનાવી 2.35 કરોડનું કૌભાંડ આચર્યું રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી વિવાદાસ્પદ નિહિત બેબી કેર હોસ્પિટલને રાજ્યના આરોગ્ય કમિશનર વિભાગ દ્વારા રૂપિયા 6,54,79,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્યમાન પોર્ટલ પર મૂકી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેના આધારે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરૂએ 8 મહિનામાં 523 દર્દીના ખોટા રિપોર્ટ બનાવી 2.35 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
ગાંધીનગર આરોગ્ય વિભાગે નિહિત બેબી કેર હોસ્પિટલના ડોક્ટર હિરેન મશરૂને પેનલ્ટીનો લેટર મોકલ્યો હતો. જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પરિવારોને રૂપિયા 10 લાખ સુધીનું મફત આરોગ્ય કવચ આપવામાં આવે છે. ત્યારે ડો. હિરેન મશરૂની હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નોંધાયેલા દાવાઓ માટે જરૂરી રિપોર્ટ્સમાં ખોટી રીતે મોડિફિકેશન કરીને કુલ 116 કેસ પ્રી-ઓથ એપ્રૂવલ માટે મૂક્યા હતા. હોસ્પિટલ દ્વારા યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવતાં આ 116 કેસ રિજેક્ટ કરવામાં આવ્યા છે. તેમજ એની પ્રી-ઓથ એપ્રૂવર્ડ રકમ રૂ. 65,47,950 થાય છે. એની 10 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે સરકાર વસૂલશે અને તેમની હોસ્પિટલને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
નિહિત બેબી કેર હોસ્પિટલ દ્વારા બાળકોના રિપોર્ટ સાથે છેડછાડ કરી આયુષ્યમાન કાર્ડ યોજનાનો દુરુપયોગ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ડોક્ટર હિરેન મશરુ દ્વારા ખોટા રિપોર્ટ આયુષ્યમાન પોર્ટલ પર અપલોડ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી, જેને લઇ નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકારે કડક પગલાં લીધાં હતાં. થોડા સમય પૂર્વે સરકારે આ હોસ્પિટલને આયુષ્યમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલ્સના લિસ્ટમાંથી પણ રદ કરી દીધી હતી.
અમદાવાદમાં રાજપથ ક્લબ સામે આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે કડીના બોરીસણા ગામના 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાંના 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખીને PMJAY(પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના)થી પૈસા પડાવી લેવા કાળાં કરતૂત કર્યાં હતાં. આ 7માંથી 2 લોકોનાં મોત થઈ ગયાં છે. દિવ્ય ભાસ્કર ડિજિટલના ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલે છેલ્લા 6 જ મહિનામાં આ રીતે ખોટી રીતે સારવાર, ઓપરેશન કરીને સરકાર પાસેથી PMJAY યોજનાના 3.66 કરોડ રૂપિયા ગપચાવી લીધા છે.