વલસાડ જિલ્લાના પારડીના તાલુકાના મોતીવાળા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 15 નવેમ્બરે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં ઘટનાસ્થળ નજીક રેલવે ટ્રેક પાસેથી બેગ, કપડાં,બીડી અને કડું સહિત કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. જેના આધારે વલસાડ જિલ્લા પોલીસની ટીમે ઉદવાડા અને આજુબાજુમાં વિસ્તારની ચાલીઓમાં તપાસ હાથ ધરી છે. પારડી GIDCમાં આવેલી કંપનીઓમાં કામ કરતા કામદારોની ઘટના બાદ ગેરહાજરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
મોતીવાળા ફાટક નજીકથી લાશ મળી હતી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન નજીક મોતીવાળા ફાટક પાસે રહેતા એક શ્રમિક પરિવારની બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી ગુરુવારે ટ્યૂશન ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવારના સભ્યોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. મોતીવાળા ફાટક નજીક આવેલી આંબાવાડીમાંથી યુવતીની લાશ મળી હતી. શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ પરિવારના સભ્યો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં યુવતીને સારવાર માટે ખસેડી હતી, ફરજ ઉપર હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી.
ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં પારડી પોલીસે તાત્કાલિક લાશનો કબજો મેળવી પેનલ PM માટે યુવતીની લાશને સુરત ખસેડવામાં આવી હતી. પેનલ PMના પ્રાઇમરી રિપોર્ટમાં યુવતી ઉપર દુષ્કર્મ થયું હોવાનું અને યુવતીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પારડી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ કેસમાં વલસાડ SP કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ DySP એ કે વર્મા અને બી એન દવેના નેતૃત્વમાં વલસાડ LCB, SOG સહિત વલસાડ જિલ્લા પોલીસની કુલ 10 જેટલી અલગ અલગ ટીમોએ તપાસનો દોર આગળ વધાર્યો છે.
પોલીસની એક ટીમ દ્વારા ઘટના સ્થળ અને આજુબાજુમાં આવેલી ચાલીઓમાં રહેતા લોકોની તપાસ હાથ ધરી છે. જેમાં અંદાજે 22થી વધુ ચાલીઓમાં રહેતા લોકોની ચોક્કસ હાજરી અને ગેરહજરી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બાતમીદારો પાસેથી 10થી વધુ શંકાસ્પદ ઇસમોની ચોક્કસ માહિતીઓ મેળવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો પોલીસની બીજી ટીમે પારડી GIDCમાં આવેલી કંપનીઓમાં કામદારોની ગેરહાજરી અંગે જાણકારી મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પારડી GIDCમાં કામ કરતા કામદારોની ઘટના બાદ ગેરહાજરી અને તેના વર્તનમાં આવેલા ફેરફાર અંગે માહિતીઓ એકત્રિત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત વલસાડ પોલીસની ટીમે ઘટના સ્થળની નજીકમાં આવેલા રેલવે ટ્રેકને લઈ GRP(રેલવે પોલીસ)ની ટીમની અલગથી મદદ લેવામાં આવી રહી છે. રેલવે ટ્રેક પાસેથી મળેલાં કેટલાંક કપડાં અને બેગને લઈને પોલીસે બેગ અને કપડાંના ઉપયોગ કરતા યુવકોની શોધખોળ હાથ ધરી છે. પારડી પોલીસના PI જી આર ગઢવીએ પારડીના આગ્રણીઓને અને GIDCના કંપનીના સુપર વાઇઝરોને શંકાસ્પદ કપડાં અને વસ્તુઓના ફોટા મોકલાવી તેનો ઉપયોગ કરતા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી છે.
DySP બી.એન. દવેએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા કોલેજમાં યુવતી સાથે અભ્યાસ કરતા મિત્રો અને ટ્યૂશન ક્લાસમાં આવતા યુવતીના નજીકના મિત્રોની પૂછપરછ કરીને યુવતીની હત્યાનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પોલીસે બે અલગ-અલગ ટીમો સુરત અને મહારાષ્ટ્ર વિસ્તારમાં શકમંદોની પૂછપરછ કરવા ટીમો રવાના થઈ છે. યુવતીને ટ્યૂશન ક્લાસથી કોઈએ પીછો કર્યો હતો કે, કેમ યુવતીને આંબાવાડી પાસે અટકાવી વગેરે બાબતે વલસાડ પોલીસની ટીમ તપાસ કરી રહી છે. હાલ સ્થાનિક લેવલે ઘટનાસ્થળની આજુબાજુના વિસ્તારોમાં અને યુવતીના મિત્રો અને પરિવારનાં નિવેદનો મેળવી ક્લુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હજુ સુધી મહત્ત્વની કોઈ કડી મળી નથી.