પાટણ મેડિકલ કોલેજના છાત્રનું અચાનક બેભાન થયા બાદ મોત; વોટ્સએપ ચેટમાં ખુલાસો, વિસ્તાર મુજબ બોલાવી રેગિંગ કર્યું

ગઈકાલે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું છે. જોકે, સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.

આ ઘટના બાદ વિદ્યાર્થીના વોટ્સએપ ગ્રુપની ચેટ બહાર આવી છે. જેમાં વિસ્તાર વાઇઝ વિદ્યાર્થીઓને બોલાવીને રેગિંગ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધાનપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો.

આ ઘટનામાં રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી છે. વોટ્સએપ ગ્રુપ થયેલી ચેટમાં વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાની શંકા દર્શાવાઇ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ ડીલીટ કરાવવામાં આવ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ રેગિંગનો ભોગ બન્યાની શંકાઓ ઉભી થઇ છે.

આ અંગે એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે સાડા આઠ વાગ્યે અમને રુમમાં બોલાવવામાં આવ્યા હતા. જેનો મેસેજ વોટ્સએપમાં આવ્યો હતો. અમે ગયા ત્યાં અમને ક્યાંથી છો વગેરે પુછ્યું હતું. આ બાદ અમને બેસાડી દેવામાં આવ્યા હતા. એ બાદ એક અન્ય સિનિયર આવ્યા હતા, જેમણે અમને ત્રણ કલાક જેટલા ઉભા રાખ્યા હતા અને ઘણા સવાલો પુછ્યા હતા. આ દરમિયાન અમને માથુ નીચે રાખીને ઉભા રહેવા કહ્યું હતું અને એકદમ કડકાઇથી અમને બધુ પુછવામાં આવ્યું હતું. આ દરમિયાન અમારો સાથી વિદ્યાર્થી ઢળી પડ્યો હતો. જેને અમે હોસ્પિટલ લઇ આવ્યા હતા.

એક મહિના પહેલાં ભણવા આવ્યો હતો: વિદ્યાર્થીના સગા આ બાબત વિદ્યાર્થીના સગા ધર્મેન્દ્રભાઈ મેથાણિયા સાથે વાતચીત થતાં તેઓએ જણાવ્યું કે, એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે અનિલને મૂક્યો હતો. ગઈકાલે કોલેજમાંથી ફોન આવ્યો કે, તમારો છોકરાને ચક્કર આવતાં તે પડી ગયો છે અને તેને એડિમિટ કર્યો છે. ત્યારબાદ અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે, યુવકનું મોત નીપજ્યું છે. હવે અનિલના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે, એટલે રિપોર્ટ બાદ હકીકત ખબર પડશે. પરંતુ કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી એવી વાતો સાંભળી છે કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અનિલને સતત ઊભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો. અમારી વિનંતી છે કે અમને સરકાર અને કોલેજ તરફથી યોગ્ય ન્યાય મળે.

બીજી તરફ આ મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે અનિલ મેથાણિયા નામનો વિદ્યાર્થી હોસ્ટેલમાં બેભાન થઈને પડી ગયો હતો. જેથી સારવાર અર્થે ખસેડાયો હતો. અમારા ડોક્ટરોએ તેની સારવાર કરવાના પ્રયાસો કર્યા પરંતુ તેનું મૃત્યુ થયું છે. આ બાબતે અમે અન્ય વિદ્યાર્થી સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્યું છે કે, સિનિયર વિદ્યાર્થીઓએ અનિલને ત્રણેક કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરી હતી. જે બાદ આ ઘટના બની છે. જો તપાસમાં રેગિંગની વાત બહાર આવશે તો અમારી કમિટી જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેશે.

આ અંગે બાલીસણા પીઆઇ જે સોલંકી એ જણાવ્યું હતું કે, યુવક એમબીબીએસ પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયરો સાથે ઇન્ટ્રોડક્શન ચાલતું હતું ત્યારે બેહોશ થઈને મોતને ભેટ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલ્યો છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

રેગિંગ કરનારાને બે વર્ષની જેલ, 10 હજારનો સુધીનો દંડ

  • વર્ગો અને શૈક્ષણિક વિશેષાધિકારોમાં હાજરી આપવાનું સસ્પેન્શન.
  • શિષ્યવૃત્તિ-ફેલોશિપ અને અન્ય લાભો રોકવા.
  • કોઈપણ કસોટી-પરીક્ષા અથવા અન્ય મૂલ્યાંકન પ્રક્રિયામાં હાજર રહેવા પર પ્રતિબંધ.
  • પરિણામો પર રોક અથવા પરિણામો રોકવાં.
  • કોઈપણ પ્રાદેશિક, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય મીટ, ટુર્નામેન્ટ, યુવા ઉત્સવ વગેરેમાં સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવા પર પ્રતિબંધ.
  • એડમિશન રદ કરવું અથવા 1થી 4 સેમેસ્ટર માટે રસ્ટિકેશન.
  • હોસ્ટેલમાંથી સસ્પેન્શન, હાંકી કાઢવા.
  • સંસ્થામાંથી હાંકી કાઢવા, ચોક્કસ સમયગાળા માટે અન્ય કોઈપણ સંસ્થામાં પ્રવેશ પર પ્રતિબંધ.
  • પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રેગિંગ કરનાર, ભાગ લેનાર, પ્રોત્સાહન આપનારા વિદ્યાર્થીને બે વર્ષની મુદત માટે જેલની સજા કરાશે. 10 હજાર સુધીનો દંડ કરાશે.
  • શૈક્ષણિક સંસ્થામાંથી બરતરફ કરાશે. બરતરફીના આદેશની તારીખથી પાંચ વર્ષ સુધી અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ નહીં અપાય.
  • યુનિવર્સિટી પર પણ કડક શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે છે.