વાહન ચલાવવા મુદ્દે અમદાવાદના બોપલ બાદ સુરતમાં હત્યા કરવામાં આવી છે. સુરતના કતારગામમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. ગાડી સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થયા બાદ આધેડ પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી. એટલેથી પણ ન અટકતા યુવકને 150 મીટર જેટલો ઢસડવામાં આવ્યો હતો. જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં જિતેન્દ્ર કંથારિયા નામના આધેડ કે જેઓ બેંક ઓફ બરોડામાં પ્યૂન તરીકે ફરજ બજાવતા હતા. ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયા હતો. દરમિયાન મયૂર મેર નામના યુવક સાથે તેની ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો. પહેલા બોલાચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો. મયૂર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જિતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ઉશ્કેરાઈ ગયેલા મયૂરે જિતેન્દ્ર પર પિકઅપ વાન ચડાવી દીધી હતી. જેના કારણે જિતેન્દ્ર કંથારિયા પિકઅપ વાનના આગળના ટાયરની નીચે આવી ગયા હતા. ત્યારબાદ મયૂરે પિકઅપ વાનને ફુલ સ્પીડમાં દોડાવી હતી. જેના કારણે જિતેન્દ્ર પિકઅપની આગળના ટાયરની નીચે 150 મીટર જેટલો ઢસડાયો હતો. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને પિકઅપ વાનનો પણ પીછો કરીને જિતેન્દ્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા પિકઅપ વાનની નીચે ઢસડાતા આધેડને જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જેના પગલે કેટલાક લોકો તો પિકઅપ વાનને અટકાવવા માટે આડા ઊભા રહી ગયા હતા. દરમિયાન જિતેન્દ્રને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મયૂર ફુલ સ્પીડમાં પિકઅપ વાનને લઈને ભાગી જવામાં સફળ થયો હતો. જોકે આ ઘટનાના પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી મયૂરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. હાલ તો આ મામલે કતારગામ પોલીસમાં ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી છે.
આ હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે જિતેન્દ્ર પિકઅપ વાનના જમણી સાઇડના આગળના ટાયર નીચે ફસાયેલો હોય છે અને ઢસડાતો આવતો હોય છે. લોકો પિકઅપ વાનનો પીછો પણ કરે છે અને ત્યારબાદ તેને બચાવવાનો પ્રયાસ કરે છે. જિતેન્દ્રને પિકઅપ વાનની નીચેથી બહાર કાઢી લેવામાં આવે છે ત્યારબાદ મયૂર પિકઅપ પણ લઈને ફરાર થઈ જાય છે.
મૃતક બેંક ઓફ બરોડામાં પ્યૂન તરીકે ફરજ બજાવતા હતા વરિયાવ તાડવાડી વિસ્તારમાં 57 વર્ષીય મૃતક જિતેન્દ્રભાઈ વિશ્રામભાઈ કંથારિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની, બે દીકરા, એક દીકરી પરિણીત છે. જિતેન્દ્રભાઈ બેંક ઓફ બરોડામાં પ્યુન તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જિતેન્દ્રભાઈ ગતરોજ દીકરાને નોકરી પરથી લઈને ઘરે જતા હતા. દરમિયાન કતારગામ રત્નમાલા સર્કલ નજીક પિકઅપ વાન સાઈડમાં કરવાને લઈને બોલાચાલી થયા બાદ તેમની પર પિકઅપ વાન ચડાવીને હત્યા કરી દેવામાં આવી હતી.
મૃતકના સંબંધી હિરેન કંથારિયાએ જણાવ્યું હતું કે, જિતેન્દ્રભાઈ આ પિકઅપ વાનચાલકને માત્ર સમજાવવા માટે ગયા હતા. માત્ર હજુ ટકોર જ કરી હતી ત્યાં જ ઉશ્કેરાઈ ગયેલા મયૂરે તેમના પર પિકઅપ વાન ચડાવી દીધી હતી અને 100થી 150 મીટર જેટલા ઢસડયા હતા. પુત્રની નજર સામે જ પિતાનું મોત નીપજ્યું હતું. આ મોત નહીં પણ હત્યા જ કરવામાં આવેલી છે. માત્ર ટકોર કરવાને લઈને કરપીણ હત્યા કરાય છે.
આ મામલે કતારગામ પોલીસમાં એટ્રોસિટી હત્યા અને હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો કતારગામ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં હત્યાની ઘટના બની છે. સોસાયટીમાં એક ઘરની બહાર કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા ચપ્પુના ધા મારી અજાણ્યા 18થી 20 વર્ષના યુવકની હત્યા કરી ત્રણથી ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મૃતદેહ જોઈને સોસાયટીમાં લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા 108 અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ તો ચોક બજાર પોલીસ દ્વારા મૃતક અજાણ્યા યુવકની ઓળખની દિશામાં અને હત્યારાઓના ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.