સુરતમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે નોંધાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત અને તેના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. સુરતના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પરચાલકે સાઇકલ લઈને ટ્યૂશન જતા વિદ્યાર્થીને બુલેટની સ્પીડે અડફેટે લીધો હતો. ત્યારબાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના અંગે કે. એલ. ગાધે (પીઆઈ, પાલ પોલીસ)એ જણાવ્યું હતું કે, આ અકસ્માત મામલે ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે અને ડમ્પરને કબજે કરી લેવામાં આવ્યું છે. આ સાથે જ ડમ્પરના ચાલકની પણ અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે ભારે વાહનો દ્વારા થતા અકસ્માતને પગલે ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને ત્રણ જેટલા ડમ્પરોને ડીટેઇન પણ કરવામાં આવ્યા છે. CCTV આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે અને સિગ્નલ બંધ હતું કે, ચાલુ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ માથોળિયા પરિવાર સાથે રહે છે. કન્સ્ટ્રકશન કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક દીકરો નામે વેદાંત ઉ.વ.13 છે. જે ગૌરવપથ રોડ ખાતે આવેલ એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-8 માં અભ્યાસ કરે છે. વેદાંત ઘરેથી તેની સાઈકલ લઈ ગૌરવપથ રોડ બેલેજિયમ હબ ખાતે પ્રિન્સ એકેડમી ખાતે ટ્યૂશન જવા નીકળ્યો હતો.
વેદાંત બપોરના સવા ત્રણેક વાગ્યાના અરસામાં પાલ ગૌરવપથ રોડ એપેક્ષ હોસ્પિટલ ચાર રસ્તા પાસે પહોંચ્યો હતો. તે વખતે એક ડમ્પર ટ્રક (GJ -21-W-2747)ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હંકારી વેદાંતની સાઈકલ સાથે એક્સિડન્ટ કરી ભાગી ગયો હતો. વેદાંતને જમણા પગની જાંઘના ભાગે ઈજા, કપાળના ભાગે ઘસરકાની ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જમણા પગની જાંઘના ભાગે ફ્રેક્ચર થયું હતું.
આ અકસ્માત CCTVમાં કેદ થઈ ગયો છે. જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, સિગ્નલ બંધ થઈ ગયું હોવા છતાં પણ ડમ્પરચાલક પૂરપાટ ઝડપે આવે છે. આ દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઊભો હોય છે તે ખૂલી ગયું હોવાથી તે સાઇકલ લઈને પસાર થવાનો પ્રયાસ કરે છે ત્યારે ડમ્પરચાલક આવીને તેને ફૂટબોલની જેમ ફગાવી દે છે. આ મામલે હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગણતરીના કલાકોમાં જ પાલ પોલીસ દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે.