ગોધરા સ્ટેશન પર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો ; ચાલુ ટ્રેનમાં મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી

આજરોજ પોણા છની આસપાસ ગોધરા રેલવે સ્ટેશન પર એક ટ્રેનનો કોચ નવજાત માસૂમની કિલકારીથી ગુંજી ઉઠ્યો હતો. એક મુસાફર મહિલાને અચાનક પ્રસવની પીડા ઉપડતાં તેની ત્યાંજ નૉર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. ગોધરા રેલવે સ્ટેશનના સ્ટાફ અને 108ની ટીમે આ તકે ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી હતી. જેની સૌ કોઈ સરાહના કરી રહ્યાં છે.

દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહેલી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં દિલ્હીથી સુરત સુધી એક મહિલા મુસાફરી કરી રહી હતી. તે સમય દમિયાન મહિલાને પ્રસવ પીડા ઉપડતાં તેઓ ચિંતાતુર થઈ ગયા હતા, પરંતુ ટ્રેનની અંદર મુસાફરી કરી રહેલા જાગૃત મુસાફરોએ તાત્કાલિક નજીકના રેલવે સ્ટેશનની માહિતી મેળવી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જ્યાં 108ના પાયલોટ અને ઇએમટી તાત્કાલિક ગોધરા રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા હતા. જ્યાં સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલા કે જેવો દિલ્હીથી સુરત તરફ જઈ રહ્યા હતા. તેમની ટ્રેનના કોચમાં જ સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી હતી.

મળતી માહિતી મુજબ, સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં મુસાફરોની ભારે ચહલ-પહલ વચ્ચે એક મહિલા દિલ્હીથી સુરત તરફ જઈ રહ્યી હતી. તે સમય દરમિયાન સગર્ભા પ્રિયાબેન પવનભાઈ ગુપ્તાને પ્રસવ પીડા ઉપડી હતી. જેને લઇને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો એકત્રિત થઈ ગયા હતા. જે બાદ નજીકના રેલવે સ્ટેશન એટલે કે ગોધરા રેલવે સ્ટેશન ઉપર તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જ્યાં 108ના પાયલોટ રાઉલજી હિતેન્દ્રસિંહ અને ઇએમટી નિલેશભાઈ બારીયાએ પ્રિયાબેન પવનભાઈ ગુપ્તાને નોર્મલ ડિલિવરી કરાવી હતી. ઉપસ્થિત સૌ લોકો 108ની સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

ટ્રેનના કોચમાં પ્રિયાબેનની સફળ નોર્મલ ડિલિવરી બાદ હાજર સૌકોઈએ હાશકારો અનુભવ્યો હતો. પ્રિયાબેનના ખોળે લક્ષ્મીનો જન્મ થતાં બાળકીની પહેલી કિલકારી રેલવેના કોચમાં ગુંજી ઉઠી હતી. બાદમાં માતા-દીકરીને 108 મારફતે સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર 108 કર્મીઓના સંયુક્ત પ્રયાસથી ટ્રેનના કોચમાં મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી થઇ હતી.