અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં જૂની અદાવતમાં એક રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. અજાણ્યા શખસ દ્વારા હવામાં ફાયરિંગ કર્યા બાદ શાકભાજીના વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં વેપારીને ઇજાગ્રસ્ત થયાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ઉચ્ચર અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર વ્યક્તિને પકડવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
અજાણ્યા શખસનું શાકભાજીના વેપારી પર ફાયરિંગ અમદાવાદના નહેરૂનગરથી માણેકભાગ રોડ પાસે જુની અદાવતમાં અજાણ્યા શખસ દ્વારા શાકભાજીના વેપારી પર રાત્રે 8 વાગ્યા આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મૂળ રાજસ્થાનના સિહોરીના રહેવાસી અને અમદાવાદમાં બોરાણા વેજીટેબલની દુકાન ચલાવતા બદામજી છમનાજી મોદી (મારવાડી) (ઉ.વ. 65) પર પોઇન્ટ બ્લેન્ક ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, બદામજી છમનાજી મોદી કાનના ભાગે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા.
તો બીજી તરફ ફાયરિંગ કરનાર શખસનો સાગરીત થોડા અંતરે બાઈક લઈને ઉભો હતો. જે બાદ ફાયરિંગ કરનાર શખસ બાઇક પર ભાગી છૂટ્યો હતો. જોકે, ઘટનાની જાણ થતાં સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, ઝોન 7 DCP શિવમ વર્મા, DCP ક્રાઈમ અજિત રાજીયન, ACP ક્રાઈમ ભરત પટેલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ CCTV ફૂટેજ તેમજ ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનેગારનું પંગેરૂ મેળવવા કવાયક કરી રહી છે. વિવિધ ટીમો વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્ત બદામજી છમનાજી મોદીના મોટા ભાઈ ખેતારામ મોદીની 31/10/2023ના રોજ વતન રાજસ્થાનના માંડવાડમાં ગળું દબાવીને અજ્ઞાત શખસો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે બાદ ગત 14મીએ બદામજી છમનાજી મોદી પર અજ્ઞાત શખસો દ્વારા માણેકબાગ રોડ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલાખોર હજુ સુધી ઝડપાયો નથી.
જોકે, આ ઘટના દરમિયાન સ્થળ પર હાજર એક શખસે જણાવ્યું હતું કે, આ ઘટના 8 વાગ્યા આસપાસ બની હતી. હું ગલ્લા પર હતો. દાદા ખુરશી પર અને તેમનો દીકરો અહીં ઓટલા પર બેઠો હતો, ત્યારે દીકરાએ બૂમ પાડી હતી કે પપ્પાને કોઈએ ગોળી મારી.. હું દોડીને અહીંયા આવ્યો. હું અને અન્ય એક વ્યક્તિ તે શખસની પાછળ દોડ્યા હતા, પરંતુ આગળ જતા હું પડી ગયો હતો અને ઉભો થઈને તેની પાછળ જાઉં તે પહેલાં તે શખસ બાઈક પર પાછળ બેસીને જતો રહ્યો હતો.