- પહેલા ચરણમાં ધાર્યા કરતાં ઓછું મતદાન થતાં ઉમેદવારો વધુ મતદાન કરાવવા સક્રિય .
ઝાલોદ,
ઝાલોદ તાલુકામાં 05-11-2022ના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર તારીખ 03-11-2022 નાં રોજ સાંજે 5 વાગે નિયમ મુજબ બંધ થઈ જશે. ત્યારબાદ સહુ ઉમેદવાર ડોર ટુ ડોર મતદાતાઓ સુધી પહોંચી પોત પોતાની બાજુ મતદાન કરવા વધુ સક્રિય થશે. આચાર સંહિતા મુજબ 3 તારીખે સાંજે પાંચ વાગ્યા પછી કોઈ પણ પાર્ટી દ્વારા જાહેર સભા, માઈક દ્વારા પ્રચાર, કોઈ પણ જાતની રાજકીય રેલી યોજવા પર પ્રતિબંધ મુકાઈ જનાર છે, એટલે હવે ઉમેદવારો દ્વારા છેલ્લા ટાઇમ સુધી મતદાતાઓ સુધી પહોંચી જીતવા માટે મરણીયા પ્રયાસો કરાઈ રહ્યા છે.
ઉમેદવારો માટે સૌથી મોટો પ્રશ્ર્ન મતદાન વધુમાં વધુ કરાવાનો છે. જેથી ઉમેદવારો પોતાની જીતની ગણતરી પાકી કરી શકે જેટલું ઓછું મતદાન થાય તે લીડ થી જીતનાર ઉમેદવારને નુકશાન કરી શકે એટલે ઉમેદવારો દ્વારા મીટિંગોનો દોર ચાલુ થઈ ગયો છે અને વધુમાં વધુ વોટિંગ કરાવવા માટે મતદાતાઓને અપીલ કરાઈ રહી છે. ઓછું મતદાન થવાથી કયા રાજકીય પક્ષને વધુ નુકશાન થશે તે કલ્પી શકાય તેમ નથી. હાલતો ઝાલોદ તાલુકામાં ત્રિપાંખીયો જંગ જામી રહેલ છે અને દરેક પાર્ટીના ઉમેદવારો પોતાની જીતના દાવા મૂકી રહ્યા છે. જેથી ઓછું મતદાન થાય તે કોઈ પણ પાર્ટીને નુકસાન કરી શકે તેમ છે. જેથી દરેક રાજકીય પક્ષ મોટા પ્રમાણમાં મતદાતાઓ મત આપવા આવે તેના માટે પ્રયાસો કરી રહ્યા છે.
હમણાં સોશિયલ મીડિયા દ્વારા દરેક પાર્ટીઓના પ્રચાર ધૂમ મચાવી રહ્યાં છે. જેમકે વોટ્સપ, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર દ્વારા ગ્રુપ બનાવી દરેક ઉમેદવારો પોતાનું પક્ષ મૂકી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. તેમજ લોકશાહીના મહાપર્વને પ્રથમ ચરણમાં થયેલ મતદાન કરતા વધુ મતદાન કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. લોકશાહીના આ દેશમાં રાષ્ટ્ર સર્વોપરી રાખવા, દેશ હિતમાં, રાષ્ટ્રના નવ નિર્માણ માટે, શિક્ષણ માટે, નવયુવાનોમાં નવાં યુગના નિર્માણ માટે લોકશાહીના યુગમાં રાષ્ટ્રને મજબૂત કરવા વધુમાં વધુ પ્રમાણમાં મતદાન થાય તે માટે સોશિયલ મીડિયા, ચૂંટણી પંચ દ્વારા તેમજ ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો દ્વારા મતદાતાઓને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા સંદેશો આપતા જોવા મળી રહ્યા છે.