ખાલિસ્તાનીઓએ રેડ લાઈન ક્રોસ કરી દીધી : મંદિરમાં ભક્તોને લાકડીઓથી માર માર્યા બાદ કેનેડાના સાંસદે કહ્યું- હિન્દુઓની રક્ષા અહીં જોખમમાં

કેનેડાના બ્રામ્પટનમાં રવિવારે હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. બીજી તરફ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પરિસરમાં ખાલિસ્તાની આતંકીઓ દ્વારા હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર હુમલાની ઘટનાની નિંદા કરી છે. તેમણે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, ‘ખાલિસ્તાની આતંકીઓએ રેડ લાઇન ક્રોસ કરી છે જે કેનેડામાં હિંસાના ઉદયને દર્શાવે છે.

કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘આજે કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ રેડ લાઇન ક્રોસ કરી છે. બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરના પરિસરમાં હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદ કેટલો હિંસક અને બેશરમ બની ગયો છે.’

‘અભિવ્યક્તિની સ્વતંત્રતાના કાયદાનો લાભ લેવાનો આરોપ’

ચંદ્ર આર્યએ ‘X’ પર આગળ લખ્યું કે, ‘મને લાગે છે કે આ અહેવાલોમાં થોડું સત્ય છે કે કેનેડાની રાજકીય વ્યવસ્થા ઉપરાંત, ખાલિસ્તાનીઓએ પણ અમારી કાયદા અમલીકરણ એજન્સીઓમાં ઘૂસણખોરી કરી છે. ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડાના અભિવ્યક્તિની સ્વતંત્રતાના કાયદાનો લાભ લઈ રહ્યા છે અને આ બધું કરવા માટે તેમને મફત પાસ મળી રહ્યા છે.’

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું-

બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં આજે થયેલી હિંસા સ્વીકારી શકાય તેમ નથી. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.

ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીલ રિજનલ પોલીસ વડા નિશાન દુરૈપ્પાએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલાની ઘટના પર ભારતે ચિંતા વ્યક્ત કરી છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશને પણ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે.ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ભારત વિરોધી તત્ત્વોએ ‘ઈરાદાપૂર્વક’ હિંસા કરી હતી. અમે ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત છીએ.

હિન્દુઓ પર હુમલા બાદ કેનેડાનું રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષી નેતાઓ ટ્રુડો સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે કહ્યું કે હિન્દુ મંદિરમાં ભક્તો પર આ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે. તમામ કેનેડિયન્સને શાંતિપૂર્વક પોતાની આસ્થા અને ધર્મનું પાલન કરવા દેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. કન્ઝર્વેટિવ પાર્ટી આ ઘટનાને વખોડે છે.

હુમલા અંગે કોણે શું કહ્યું

પિયરે પોઈલીવર (વિપક્ષ નેતા)- આવા હુમલાનો સ્વીકાર કરવામાં આવશે નહીં. કેનેડાના તમામ લોકોએ શાંતિથી પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ.

બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉન

કેનેડામાં ધાર્મિક સ્વતંત્રતા એ મૂળભૂત મૂલ્ય છે. દરેક વ્યક્તિએ પોતપોતાના ધર્મસ્થાન પર સલામતી અનુભવવી જોઈએ. હું પૂજા સ્થળની બહાર કોઈપણ પ્રકારની હિંસાની સખત નિંદા કરું છું. પોલીસ શાંતિ જાળવવા અને હિંસાના ગુનેગારોને જવાબદાર ઠરાવવા તેમના અધિકાર ક્ષેત્રમાં બધું જ કરશે.

ભારતનો આરોપ – વોટબેંક માટે PM ટ્રુડો કરી રહ્યા છે ભારત વિરોધી રાજનીતિ

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં એક વર્ષથી વધુ સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂન 2020માં ખાલિસ્તાની તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ તેની શરૂઆત થઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પીએમ ટ્રુડોએ સંસદમાં આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સી સામેલ છે.

આ પછી ટ્રુડોએ ગયા મહિને 13 ઓક્ટોબરના નિજ્જર હત્યાકાંડમાં ભારતીય રાજદ્વારીઓની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારતે સંજય વર્મા સહિત તેના છ રાજદ્વારીઓને પાછા બોલાવ્યા. ભારતનું કહેવું છે કે કેનેડા સરકારના આરોપો પાયાવિહોણા છે. કેનેડાએ ભારત સરકાર સાથે પુરાવાનો એક પણ ભાગ શેર કર્યો નથી. તેઓ તથ્યો વગરના દાવા કરી રહ્યા છે. ટ્રુડો સરકાર રાજકીય લાભ મેળવવા માટે જાણીજોઈને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ભારતના વિદેશ મંત્રાલયે ગયા મહિને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પીએમ ટ્રુડોની ભારત સાથે દુશ્મનાવટ લાંબા સમયથી ચાલી રહી છે. તેમની કેબિનેટમાં એવા લોકો સામેલ છે જેઓ ખુલ્લેઆમ ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા છે.