એક જ પરિવારનાં 4 બાળકનાં મોત : અમરેલીમાં રમતાં રમતાં બાળકો કારમાં બેઠાં ને દરવાજો લોક થઈ ગયો, ગૂંગળાઈ જવાથી તમામનાં મોત

અમરેલી તાલુકાના રાંઢિયા ગામમાં કારમાં ગૂંગળાઈ જવાથી 4 બાળકનાં મોત થયાં છે. રમતાં રમતાં બાળકો ચાવીથી ખોલી કારમાં બેસી ગયાં હતાં. એ બાદ કાર લોક થઈ ગઈ હતી, જેથી કારના દરવાજા ન ખૂલતાં ગૂંગળાય જવાને કારણે તમામ બાળકોનાં મોત થયાં છે. માતા-પિતા અન્ય વિસ્તારમાં મજૂરીકામે ગયાં હતાં. એ બાદ આ ઘટના બની હતી.

મધ્યપ્રદેશના પરપ્રાંતી પરિવારનાં 4 બાળકનાં મોત થયાં છે. એક જ પરિવારની 2 દીકરી અને 2 દીકરાના ગૂંગળાઈ જવાથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો પોલીસે નોંધ્યો છે.

આ અંગે ડીવાયએએપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે અમરેલી તાલુકાના રાંઢિયા ગામે ભરતભાઇ માંડાણીના ખેતરમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના સોબિયાભાઇ મછારને સાત બાળકો છે. ગત બે તારીખ અને શનિવારના રોજ સોબિયાભાઇ અને તેમનાં પત્ની ખેતમજૂરી કરતાં હતાં, જ્યારે તેમનાં બાળકો ઘરે હતાં. એ દરમિયાન વાડી માલિકની આઇ-20 કારને ચાવીથી ખોલીને તેમનાં ચાર બાળકો રમવા ગયાં હતાં. આ દરમિયાન કાર લોક થઇ ગઇ હતી. સાંજે તેમનાં માતા-પિતા ખેતમજૂરી કરીને ઘરે આવ્યાં ત્યારે તેમની સાત અને ચાર વર્ષની બે દીકરી જેમનાં નામ સુનિતા અને સાવિત્રી, જ્યારે બે વર્ષ અને પાંચ વર્ષના કાર્તિક અને વિષ્ણુ નામના બે પુત્ર, આમ ચારેય બાળકોનાં કારમાં ગૂંગળામણને કારણે મોત થયાં હોવાની જાણ થઇ હતી. અત્યારે તાલુકા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.