રાજસ્થાનમાં ગમખ્વાર બસ અકસ્માત, 12નાં મોત:35થી વધુ લોકો ઘાયલ

રાજસ્થાનના સીકર જિલ્લાના લક્ષ્મણગઢમાં એક ખાનગી બસ પુલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે 7ની હાલત ગંભીર બનતા તેઓને જયપુર રીફર કરવામાં આવ્યા હતા.

મંગળવારે બપોરે 2 વાગ્યાની આસપાસ લક્ષ્મણગઢના પુલ પાસે આ અકસ્માત થયો હતો. બસ સાલાસરથી નવલગઢ જઈ રહી હતી. આ અકસ્માત સાલાસરથી 68 કિમી દૂર થયો હતો.

સ્પીડ વધુ હોવાને કારણે બસ ટર્ન લઈ શકી નહીં બસ લક્ષ્મણગઢ પુલિયાથી જયપુર-બીકાનેર રોડ તરફ ડાબી તરફ જવાની હતી. સ્પીડ વધુ હોવાને કારણે બસ સંપૂર્ણ રીતે ટર્ન લઈ શકી ન હતી અને સીધી પુલ સાથે અથડાઈ હતી. બસનો આગળનો 3 થી 4 ફૂટનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ પુલની દિવાલ સાથે અથડાઈ હતી અને ડ્રાઈવરની બાજુનો આખો ભાગ ચકનાચુર થઈ ગયો હતો. ટક્કર બાદ બસમાં અફરાતફરી મચી ગઈ હતી. આ પછી લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને એક પછી એક બધાને નજીકની લક્ષ્મણગઢ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.