ઈઝરાયલી દળોએ રવિવારે રાત્રે લેબનનમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલી બેંકોને નિશાન બનાવી હતી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ આ વાતની પુષ્ટિ કરી છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, અલ-કર્દ અલ-હસન એસોસિયેશન હિઝબુલ્લાહના સભ્યોને વ્યાજમુક્ત લોન આપે છે. સમગ્ર લેબનનમાં એની 31 શાખા છે. આમાંથી કેટલી શાળાઓ પર હુમલો થયો છે એની માહિતી હજુ ઉપલબ્ધ નથી.
IDFએ કહ્યું હતું કે અમે હિઝબુલ્લાહને યુદ્ધ માટે નાણાં પૂરાં પાડવાથી રોકવા માટે બેંક શાખાઓને નિશાન બનાવી રહ્યા છીએ. IDFએ દાવો કર્યો હતો કે અલ-કર્દ અલ-હસન પાસે મોટી રકમની ઍક્સેસ હતી, જેનો ઉપયોગ હિઝબુલ્લાહે ઈઝરાયલ સામે કર્યો હતો.
ઈઝરાયલના એક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે અલ-કર્દ અલ-હસનનાં નાણાંનો ઉપયોગ હિઝબુલ્લાહ દ્વારા તેના લડવૈયાઓને પગાર ચૂકવવા માટે કરવામાં આવતો હતો. આના પર હુમલો એ મોટી ઘટના છે. આનાથી હિઝબુલ્લાહની અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડશે. તેણે કહ્યું કે આ બેંકમાં હિઝબુલ્લાહના પૈસા છે, પરંતુ એ બેંક બધા પૈસા સંભાળતી નથી.
હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી જનરલ નઈમ કાસિમ ઈઝરાયલના હુમલા વચ્ચે લેબનનથી ઈરાન ભાગી ગયો છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ કાસિમ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીના વિમાનમાં 5 ઓક્ટોબરે ઈરાન જવા રવાનો થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનને ડર હતો કે હસન નસરાલ્લાહની જેમ નઈમ કાસિમની પણ ઈઝરાયલ દ્વારા હત્યા કરવામાં આવશે.
ગયા મહિને ઈઝરાયલના હવાઈહુમલામાં નસરાલ્લાહના મૃત્યુ પછી કાસિમે ત્રણ ભાષણો આપ્યા છે. પ્રથમ ભાષણ બૈરૂતમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજું અને ત્રીજું ભાષણ તેહરાનમાં આપવામાં આવ્યું હતું. 15 ઓક્ટોબરે કાસિમે કહ્યું હતું કે જ્યાં સુધી ઇઝરાયલ યુદ્ધ બંધ નહીં કરે ત્યાં સુધી હિઝબુલ્લાહ તેના પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
અગાઉ લેબનનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે ઈઝરાયલના હવાઈહુમલામાં મૃત્યુઆંક 2,464 પર પહોંચી ગયો છે. અત્યારસુધીમાં 11,530 લોકો ઘાયલ થયા છે. એ જ સમયે ગાઝામાં ઈઝરાયલના હુમલામાં અત્યારસુધીમાં 42 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે અને 1 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે.