રાજકોટમાં શિક્ષકોના ડરથી વિદ્યાર્થીનો આપઘાત : પરિવારે કહ્યું- સ્કૂલમાં મોનિટર હતો, ધો. 10માં 70 ટકા આવ્યા હતા ; ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરો, 10 વર્ષની સજા ફટકારો

રાજકોટ જિલ્લાના લોધીકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ફક્ત એટલું જ નહિ વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો. જેમાં રડતાં રડતાં પોતે લખેલી સુસાઈડ નોટ પણ આ વીડિયોમાં દેખાડી રહ્યો હતો. સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ પોતાની શાળાના શિક્ષકના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે, આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ શાખા ખાતે તપાસ માટે પહોંચી હતી અને સરપંચ સહિતના ગ્રામજનો પણ ત્યાં પહોંચ્યા હતા. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા શિક્ષકોને સસ્પેન્ડ કરવાની સાથે 10 વર્ષની સજાની માગ કરવામાં આવી છે. જ્યારે તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રથામિક દૃષ્ટિએ થયેલી તપાસમાં કોઇ કારણ સામે આવ્યું નથી.

એકના એક સંતાને આપઘાત કરી લીધો આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા ધોરણ 11ના વિદ્યાર્થી ધ્રુવિલ વરૂના કાકા રમેશભાઈ વરૂએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો ધ્રુવિલ 12:30 વાગ્યે મોટાવડા સ્કૂલેથી છાપરા ગામે ઘરે આવ્યો અને ઘરે કોઈ હતું નહીં. જેથી તેણે સુસાઇડ નોટ લખી અને પછી વીડિયો ઉતાર્યો અને પછી તુરંત જ આપઘાત કરી લીધો. પિતાનો એકના એક સંતાને આપઘાત કરી લીધો જેથી અમને ન્યાય મળવો જોઇએ. અન્ય કોઇ વિદ્યાર્થી સાથે આ પ્રકારની ઘટના ન બને તેવી અમારી માગ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે 11:30 વાગ્યે શાળાએથી છૂટી ગયા બાદ વિદ્યાર્થીને ફરી શાળામાં બોલાવવામાં આવ્યો અને શિક્ષકો દ્વારા ધમકાવવામાં આવ્યો કે તને સજા પડશે અને પોલીસવાળા ઉપાડી જશે. જેથી ધ્રુવિલ ગભરાઈ ગયો. 2 શિક્ષિકા અને 1 શિક્ષક દ્વારા ધમકી આપવામાં આવી હતી. પુત્રના આપઘાતથી ગઈકાલથી પૂરો પરિવાર સૂતો નથી. મારો ભત્રીજો સ્કૂલનો મોનિટર હતો અને ભણવામાં ખૂબ હોશિયાર હતો. ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવા જોઇએ અને 10 વર્ષની સજા થવી જોઇએ. ફી નોકરી ન મળવી જોઇએ તેવી અમારી માંગણી છે. હું ખેતીકામ કરું છું અને ધ્રુવિલના માતા-પિતા અભણ છે અને ઢોર ચરાવવાનું કામ કરે છે.

મિત્રોને વાત કરી હતી કે મને મજા નથી આવતી આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મારા ભત્રીજો સ્કૂલેથી ઘરે આવવા માટે બસમાં બેઠો ત્યારે તેને તેના મિત્રોને વાત કરી હતી કે મને મજા નથી આવતી. ધોરણ 10માં 70 ટકાથી વધુ માર્ક્સ આવ્યા હતા અને પરીક્ષામાં ચોરી કરતો હોય તો વિદ્યાર્થીને મૌખિક જ્યારે પૂછવામાં આવ્યું તો ત્યારે બધુ આવડી ગયું હતું.

જ્યારે તપાસ અધિકારી અલ્પાબેન જોટાંગિયાએ જમાવ્યું હતું કે, હાલ સરપંચ સહિતના તમામના નિવેદન લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ થયેલી તપાસમાં વિદ્યાર્થીના આપઘાતનું કોઇ કારણ સામે આવ્યું નથી. અહીં ચાર શિક્ષકો અભ્યાસ કરાવતા હતા અને 172 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તો કે હાલ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતનાનું નિવેદન લેવામાં આવ્યા છે.

આ દરમિયાન લોધીકા પોલીસ મથકનો સ્ટાફ અહીં પહોંચી ગયો હતો અને નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમના દ્વારા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની સાથે ગ્રામજનોના પણ નિવેદન લેવામાં આવ્યા હતા.

આપઘાત પૂર્વે વિદ્યાર્થીએ લખેલી અક્ષરશ: સુસાઈડ નોટ

મારા મોતનું કારણ વાંચજો

I LOVE YOU MOM

I LOVE YOU PAPA

મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક ન હતો તોય મારી ટીચરે મને મેં સાબિત કરીને આપ્યું કે પેપર મેં ઘરે નથી લખ્યું તો પણ તેણે મને પોલીસની ધમકી આપી મારા પેપરમાં ચોકડા માર્યા અને આવું પહેલીવાર નથી. કાલે મેં ખુદે પેપર એના હાથમાં આપ્યું હતું તોય એણે મને પોલીસની ધમકી આપી BAના પેપરમા મારું બધું સાચું લખાણ હતું તો બીજા કોઈને નહિ મારા એક ઉપર જ એવું કરે. મને મોઢે પ્રશ્ન પૂછ્યા અને તેને એકમ કસોટીના પેપરમાં પણ આવું જ કર્યું હતું અને ત્યાં પણ મારી પાસે મોઢે પેપર લખ્યાવ્યું હતું અને મારે 25માંથી 23 માર્ક આવ્યા હતા તો પણ મારી સાથે આજે પણ આવું કર્યું. મમ્મી જો આજે આ પગલું ના ભર્યું હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. મમ્મી હું સાચું બોલું છું તારા સમ ખાઈને કહું છું મેં પેપર નથી લખ્યું કે છે મેં સરને ખૂબ જ સમજવાનો પ્રયાસ કર્યો પણ તેઓ મારા ઉપર પોલીસ કેસ કરવાના છે તેથી મેં આ પગલું ભર્યું છે. પ્લીઝ મારા ઉપર આ વર્તન કરવાથી મેં આ પગલું ભર્યું છે.

મારી સાથે એકમ કસોટીના પેપરમાં કર્યું હતું. સોલંકી સર મારી સાથે પણ મોસમી મેડમ અને સચિન સર અને વિભૂતિ મેડમે મારી સાથે એવું કર્યું. મમ્મી હંસલો મારા ભાઈ જેવો છે તેથી તેને તારો દીકરો માની લેજે. મારા મિત્રોએ મને સાથ આપ્યો છે. I LOVE YOU MOM, I LOVE YOU PAPA બધા મારો પરિવાર ખુશ રહેજો. અંતમાં લખ્યું છે કે, મોબાઈલમાં જુઓ મારો વીડિયો.