ધોલપુર નેશનલ હાઈવે પર સ્લીપર કોચ બસે ટેમ્પોને હવામાં ફંગોળી:8 બાળકો સહિત 12નાં મોત

રાજસ્થાનના ધોલપુરમાં નેશનલ હાઈવે-11B પર સુનીપુર ગામ નજીક રાત્રે લગભગ 11.30 વાગ્યે એક સ્લીપર કોચ બસે ટેમ્પોને હવામાં જ ફંગોળી નાખ્યો હતો. આ દુર્ઘટનામાં આઠ બાળકો સહિત કુલ 12 લોકોને કાળ ભરખી ગયો હતો, જ્યારે બસ ડ્રાઈવર ઘાયલ થયો હતો, તેને ધોલપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ બધાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં બાળકોની સંખ્યા વધુ હોવાનું કહેવાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તમામ મૃતદેહોને બારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યા હતા. આ અકસ્માત બારી સબડિવિઝનમાં શનિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે થયો હતો.

મળતી માહિતી મુજબ બારી શહેરના કરીમ ગુમાતના રહેવાસી લગભગ 15 લોકો સરમથુરા વિસ્તારના બરૌલીમાં લગ્ન સમારોહમાં ગયા હતા. તેમાંથી મોટાભાગનાં બાળકો હતાં. મોડી રાત્રે તમામ લોકો ટેમ્પોમાં બેસીને બારી પરત ફરી રહ્યા હતા. રાત્રે લગભગ 11.30 વાગ્યે ધોલપુરથી જયપુર જઈ રહેલી એક સ્લીપર કોચ બસે નેશનલ હાઈવે-11B પર સુન્નીપુર ગામ પાસે ટેમ્પોને ટક્કર મારી હતી.

અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનો સ્થળ પર રોકાઈ ગયાં હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ટેમ્પોમાં સવાર લોકોને બારી હોસ્પિટલ લઈ ગઈ હતી. અકસ્માતમાં બસને પણ નુકસાન થયું હતું, જેને પોલીસે જપ્ત કરી લીધી હતી.

બારી હોસ્પિટલના પીએમઓ ડો. હરિકિશન મંગલે જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બની હતી. ઘાયલોને રાત્રે 12 વાગ્યે બારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મેડિકલ ટીમે તમામને તાત્કાલિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો. 14 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 11નાં મોત થયાં હતાં. ચાર ઘાયલોને ગંભીર હાલતમાં ધોલપુર રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ બેનાં મોત થયાં હતાં. 2 ઘાયલોની ધોલપુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.