સુરંગમાં બાથરૂમ, રસોડું, TV​​​​​​​ અને સિક્રેટ ડોક્યુમેન્ટ:ઈઝરાયલના હુમલા પહેલાં હમાસ ચીફ સિનવાર જ્યાં છુપાયો, તેનો VIDEO સામે આવ્યો; પત્ની-બાળકો પણ સાથે હતા

ઈઝરાયલે હમાસ ચીફ યાહ્યા સિનવાર સાથે સંબંધિત વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સિનવાર તેના પરિવાર સાથે ગાઝામાં એક સુરંગમાં જતો જોવા મળે છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અનુસાર, સિનવારનો આ વીડિયો ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર થયેલા હુમલા પહેલાંનો છે.

ઈઝરાયલ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સિનવાર 6 ઓક્ટોબરની મોડી રાત્રે તેની પત્ની અને બાળકો સાથે સુરંગમાં જતા જોઈ શકાય છે. તે બધા પોતપોતાનો સામાન બંકરમાં લઈ જઈ રહ્યા હતા. આ બંકરને પાછળથી IDF દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું.IDF પ્રવક્તા ડેનિયલ હગારીએ શનિવારે જણાવ્યું હતું કે સુરંગ દક્ષિણ ગાઝાના ખાન યુનિસમાં સિનવારના ઘરની નીચે હતી.

પત્ની અને બાળકો સાથે સુરંગમાં સિનવાર ઈઝરાયલ દ્વારા જાહેર કરાયેલા વીડિયો ફૂટેજમાં યાહ્યા સિનવાર અને તેની પત્ની અને બાળકો સુરંગમાં ટેલિવિઝન, પાણી, ગાદલાં સહિતની વસ્તુઓ લઈ જતા દેખાય છે. આ અંગે ઈઝરાયલની સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું કે આ સુરંગ ખાન યુનિસમાં સિનવારના ઘરની નીચે આવેલી છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન, હગારીએ ભૂગર્ભ સુરંગના ફોટા બતાવ્યા, જેમાં શૌચાલય, શાવર અને રસોડું હતું. ત્યાંથી ખોરાક, રોકડ અને સિક્રેટ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

લોહીથી લથબથ શરીર, માથાથી લઈને પગ સુધી ધૂળ જ ધૂળ અને બચીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કરતો શખશ, હમાસ ચીફ યાહ્યા સિનવારનો આ અંતિમ વીડિયો છે, જે ઈઝરાયલી સેનાએ બહાર પાડ્યો છે. પોતાની અંતિમ પળોમાં હમાસ ચીફ લાચાર દેખાઈ રહ્યો છે. તેનો એક હાથ પણ કપાઈ ગયો છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હમાસ ચીફ યાહ્યા સિનવાર માર્યો ગયો છે.

ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને વિદેશ મંત્રી ઇઝરાયલ કાત્ઝએ ગુરુવારે રાત્રે સિનવારના મૃત્યુની પુષ્ટિ કરી હતી. નેતન્યાહુએ વીડિયો સંદેશમાં કહ્યું કે, હવે હિસાબ બરાબર છે, પરંતુ યુદ્ધ હજુ ચાલુ છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ 16 ઓક્ટોબરના રોજ રૂટિન ઓપરેશનમાં મધ્ય ગાઝામાં એક ઇમારત પર હુમલો કર્યો હતો. હમાસના 3 સભ્યો માર્યા ગયાના સમાચાર હતા. પાછળથી ખબર પડી કે તેમાંથી એક યાહ્યા સિનવાર હતો.

તેના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. આમાં, તેના ચહેરા, દાંત અને ઘડિયાળ પરથી દાવો કરવામાં આવ્યો હતો કે માર્યો ગયો વ્યક્તિ યાહ્યા સિનવાર હતો. સિનવારના મૃત્યુની તપાસ માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર 3 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. આ સિવાય કેટલાય લડવૈયા ઈઝરાયલમાં ઘૂસ્યા હતા. જેમણે ઘણા ઈઝરાયલીઓની હત્યા કરી હતી અને 200થી વધુને બંધક બનાવી લીધા હતા. આ દિવસથી ઇઝરાયલે સિનવારની શોધ શરૂ કરી. ઈઝરાયલે સિનવારને મારવાના અનેક પ્રયાસો કર્યા હતા.આમાં સફળતા મળી ન હતી. 23 સપ્ટેમ્બરે સિનવારના મૃત્યુનો દાવો પણ કરવામાં આવ્યો હતો. બાદમાં તે ખોટો સાબિત થયો હતો. યુદ્ધ શરૂ થયાના એક વર્ષ અને 9 દિવસની અંદર આખરે 16 ઓક્ટોબરે સિનવાર માર્યો ગયો.

ઈઝરાયલની સેનાએ સિનવાર સાથે સંબંધિત ડ્રોન ફૂટેજ જાહેર કર્યા છે. તે સિનવારની અંતિમ ક્ષણો દર્શાવે છે. તે ખંડેર એપાર્ટમેન્ટમાં ધૂળવાળા સોફા પર બેઠો છે. તેનું માથું અને ચહેરો સ્કાર્ફથી ઢંકાયેલો છે. જ્યારે ડ્રોન નજીક આવ્યું, ત્યારે તે તેની લાકડી ફેંકીને તોડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો.

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે સિનવાર રાફાહના તાલ અલ-સુલતાન વિસ્તારમાં છુપાયેલો હતો. જ્યારે આ ફૂટેજ લેવામાં આવી રહ્યા હતા ત્યારે અમને ખબર ન હતી કે તે સિનવાર છે. તેના હાથમાં ગોળી વાગી હતી અને તે ઘાયલ થયો હતો. અમને લાગ્યું કે તે હમાસનો સામાન્ય ફાઇટર હતો. ત્યારબાદ IDFએ બિલ્ડિંગ પર બોમ્બમારો કરીને તેને મારી નાખ્યો.

બાદમાં, મૃતદેહોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે સિનવાર છે. હગારીએ કહ્યું કે તેની પાસેથી બુલેટપ્રૂફ જેકેટ, ગ્રેનેડ અને 40,000 ઈઝરાયલની કરન્સી મળી આવી છે. સીએનએન અનુસાર, સિનવાર જ્યાં છેલ્લે રહેતો હતો તે વિસ્તાર લાંબા સમય સુધી ઇઝરાયલી હુમલાથી અસ્પૃશ્ય રહ્યો. IDFએ 28 ઓગસ્ટે અહીં પહેલીવાર હુમલો કર્યો હતો.