વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિના સમયે ચોર આવ્યા.. ચોર આવ્યા…ની બૂમો પડે છે. ત્યારબાદ લોકોના ટોળા એકત્રિત થાય છે. ત્યારે ગત મોડીરાત્રે વારસિયા વિસ્તારમા અડધી રાત્રે બે યુવકને ચોર સમજી નગ્ન કરી 300ના ટોળાએ બેરહેમીપૂર્વક માર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃતક યુવકની માતાએ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું અને જણાવ્યું હતું કે, પોલીસ શું કરતી હતી? અમને ન્યાય જોઈએ છે. આ ઘટનામાં ટોળા સામે મોબ લિચિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ મોબ લિંચિંગ અંતર્ગત ગુનો નોંધશે
ડીસીપી પન્ના મોમાયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોએ માર માર્યો છે તે બંને રીઢા ગુનેગાર હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલ છે. મૃતક યુવક સામે 10 ગુના અગાઉ ચોરીના નોંધાયેલા છે અને તાજેતરમાં જ પાસામાંથી છૂટેલ છે. ઇજાગ્રસ્ત યુવક પણ 7 ગુનામાં સંડોવાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ટોળા સામે મોબ લિંચિંગ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. મૃતક સહિત ત્રણેય શખસ ચોરીની બાઈક લઈને ચા પીવા માટે ગયા હતા. પોલીસ બચાવવા ગઈ ત્યારે ત્રણ પોલીસકર્મીને પણ ઈજા પહોંચી છે. આ અંગે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચોરીની બાઈક અંગે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. ત્રણેય યુવકો પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાતો સામાન પણ ઝડપાયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, જે વાહન પર આવ્યા ત્રણ યુવક આવ્યા હતા તે વાહન પણ ચોરીનું જ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આજવા રોડથી બાઈક ચોરીને ફતેપુરા આવતા હતા. મદાર મહોલ્લા પાસે ચા પીવા રોકાયા હતા, બાદમાં ઝુલેલાલ મંદિર નજીક લોકોએ રોકીને પૂછતા ભાગવાની કોશિશ કરી હતી. સાંજે બાઈકની ચોરી કરી રાત્રે તે જ બાઈક લઈને ચોરી કરવા ચોર નીકળ્યા હતા.
મૃતક યુવક સહબાજખાન (ઉં.વ. 21)ને સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે અતિ ગંભીર ઈજાગ્રસ્ત થયેલ અકરમ ઇમરાન તિલિયાવાડાને સયાજી હોસ્પિટલના ન્યુ સર્જીકલ વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈ સયાજી હોસ્પિટલમાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને ન્યાયની માગ કરી હતી.
આ બન્ને યુવક શહેરના આજવા રોડ ખાતે આવેલ એકતાનગર ટીપુ મંજીલ પાસે રહેતાં હતા. મૃતક યુવકની માતા મુમતાઝ સલીમખાન પઠાણે જણાવ્યું હતું કે, મારા છોકરાને ન્યાય જોઈએ. મારા છોકરાની ભૂલ હતી તો તમે પોલીસ ખાતાને સોંપી દેત. પોલીસ ખાતું શુ કરી રહ્યું હતું? મારે મારા છોકરા માટે ન્યાય જોઈએ છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.
અન્ય એક પરિવારજને જણાવ્યું હતું કે, તેઓની ઉંમર 20 વર્ષની છે અને તેઓ તેઓના મિત્ર સાથે ત્યાં ચા પીવા ગયા હતા. ચોર સમજ્યા તો વાંધો નહીં પરંતુ તમને મારવાની પરમિશન કોણે આપી? પોલીસ પ્રશાસન તમને મારવાના રાઇટ આપ્યા છે? આજે એક માનો દીકરો જતો રહ્યો છે. તેઓને કોણ દીકરો લાવીને પાછો આપશે? મારવાનો અધિકાર કોઈને નથી.
આ અંગે અન્ય એક પરિવારજન અમીન વોરાએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિ મરણ જનાર છે જેનું નામ સહેબાજખાન પઠાણ છે અને અન્ય ઇજાગ્રસ્ત બંને વ્યક્તિ ભંગારના ડેલામાં મજૂરી કામ કરતા હતા. તેઓ ગત રાત્રે ચા પીવા માટે ત્યાં ગયા હતા અને તેઓની ગાડી ખરાબ થઈ ગઈ હતી. આ બાબતની જાણ અમને સવારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે ખબર પડી હતી. અન્ય એક ઇજાગ્રસ્ત અલીભાઈ જણાવે છે કે, અમે ત્યાં ગાડી ખરાબ થતા રિપેર કરતા હતા તે દરમિયાન પાછળથી કોઈએ આવી અને અમને માર માર્યો હતો. બાદમાં પબ્લિકનું ટોળું તૂટી પડ્યું હતું. ત્યારબાદ તેઓ પોતાનો જીવ બચાવવા માટે કોઈના ટેરેસ ઉપર ચડી ગયા હતા અને ત્યારબાદનો જે વીડિયો છે તે સામે આવ્યો છે.
વધુમાં કહ્યું કે, એક યુવકના શરીર પરથી કપડા ઉતારીને ઢોર માર મારવામાં આવ્યો હતો. અમારે ન્યાય જોઈએ છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેઓને તાત્કાલિક એરેસ્ટ કરવામાં આવે તેવી અમારી માગ છે. જે ઘટના બનવાની હતી તે બની ગઈ છે. પરંતુ હવે આગળ આ બાબતે યોગ્ય તપાસ થાય અને ન્યાય મળે તેવી અમારી માગ છે. સાથે જ આગામી સમયમાં ચોર આવ્યાની બૂમો બાદ કોઈ અન્ય નિર્દોષ લોકો ન મરી જાય તેવી અમારી પોલીસને અપીલ છે.
આ અંગે સિટી પોલીસ મથકનાં પીઆઇ આર.એલ. પ્રજાપતિએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં જે કોઈ ગુનેગાર હશે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ફરિયાદની કાર્યવાહી ચાલી રહી છે અને વધુ તપાસ બાદમાં કરવામાં આવશે.
One thought on “વડોદરામાં બે યુવકને ચોર સમજી નગ્ન કરી ક્રૂરતાથી માર્યા, એકનું મોત, બીજો ગંભીર, ટોળા સામે મોબ લિંચિંગનો ગુનો દાખલ”
Comments are closed.