અમદાવાદમાં ગાજવીજ-પવન સાથે ધોધમાર વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે (20 ઓક્ટોબર) દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદના વાતવરણમાં એકાએક પલટો આવ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે શહેરના સિંધુભવન રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ, આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી જ પ્રકારની પરિસ્થિતિ અમરેલી અને ભાવનગરમાં જોવા મળી શકે છે.

અમદાવાદ શહેરમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. પવનના કારણે નેહરુ બ્રિજ નજીક પતંગ હોટલની બાજુમાં નારાયણ ચેમ્બર્સ બહાર એક ગાડી ઉપર ઝાડ પડ્યું હતું. ગાડીમાં એક વ્યક્તિ બેઠેલો હતો. જોકે, તાત્કાલિક ફાયર બ્રિગેડએ તેને બહાર કાઢી લીધો હતો અને ઝાડનેદૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા પાસપોર્ટ ઓફિસ પાસે પણ એક ઝાડ પડ્યું હતું, જેને ફાયર બ્રિગેડ દ્વારા દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ ચાંદલોડિયા શાયોનાસિટી પાસેના અંડરપાસમાં પાણી ભરાતા બંધ થયો છે.

અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ દૂર થઈ છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ જોવા મળ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ફેરફાર જોવા મળી શકે છે. અમદાવાદમાં ખાસ કરીને સ્થાનિક પરિસ્થિતિને આધારે વાદળાં અને છૂટક વરસાદ જોવા મળી રહ્યો છે.