અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ગુજરાત અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશન

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન’ હેઠળ, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે ગુજરાતના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન 518 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે.

આ અગાઉ પણ અંકલેશ્વરમાંથી અનેકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ મામલે દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. આ પહેલાં 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા અને 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના મોટા કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. આ પછી, 10 ઓક્ટોબર, 2024ના રોજ તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો કોકેઈન મળી આવ્યું હતું.

દિલ્હી કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ ગુજરાતના અંકલેશ્વર GIDC વિસ્તારની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો મળી આવ્યો છે, જેની કુલ કિંમત 13000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

હજારો કરોડના ડ્રગ્સની રિકવરી મામલે દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ વચ્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નશીલા પદાર્થને દિવાળી 2024 અને નવા વર્ષ 2025માં દિલ્હી, યુપી, બિહાર, ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોમાં પહોંચાડવાનો હતો. પરંતુ આ પહેલાં તપાસ એજન્સીઓએ આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

દોઢ વર્ષ પહેલાં પનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી ડ્રગ્સ બનાવવાની કારસાનો ઘટસ્ફોટ થયો હતો. મુંબઇ ANC (એન્ટી નાર્કોટિક્સ સેલ) ટીમે પનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી 1026 કરોડની મત્તાનો કુલ 513 કિલો ડ્રગ્સ જથ્થો જપ્ત કર્યો હતો. મુંબઇની ટીમ સાથે ભરૂચ એસઓજીની ટીમ પણ જોડાઇ હતી.