બાબા સિદ્દીકીને રાજકીય સન્માન બાદ દફનાવવામાં આવ્યા : અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ : લોરેન્સ ગેંગે હત્યાની જવાબદારી લીધી

મુંબઈમાં NCP (અજિત જૂથ)ના નેતા બાબા સિદ્દીકીને રવિવારે રાત્રે 10.30 વાગ્યે મુંબઈના મરીન લાઈન્સ સ્ટેશનની સામે બડા કબરીસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. તેમને રાજકીય સન્માન પણ આપવામાં આવ્યું હતું. સિદ્દીકીના પરિવાર ઉપરાંત મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર, છગન ભુજબળ, પ્રફુલ પટેલ, રામદાસ આઠવલે અને અન્ય લોકો કબ્રસ્તાનમાં હાજર હતા.

શનિવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે બાંદ્રામાં સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને 3 વખત ગોળી વાગી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. 3 આરોપીઓ ફરાર છે, તેમની શોધ ચાલુ છે.

સિદ્દીકીની હત્યાના 28 કલાક બાદ રવિવારે લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. પોલીસ આ પોસ્ટની પણ તપાસ કરી રહી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘સલમાન ખાન અને દાઉદને મદદ કરનારાઓને બક્ષશે નહીં.’ આ પોસ્ટમાં લોરેન્સ અને અનમોલને હેશટેગ કરવામાં આવ્યા છે.

આ કેસમાં અત્યાર સુધીમાં હરિયાણાના ગુરમેલ અને યુપીના ધરમરાજ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. યુપીના અન્ય આરોપી શિવની શોધખોળ ચાલી રહી છે. મુંબઈ કોર્ટે ગુરમેલને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. ધરમરાજે પોતાને સગીર ગણાવ્યો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.