કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં આજ બપોરે 12 વાગ્યાની આસપાસ હોનારત બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ખાનગી કંપનીની અંદર ચણતરનું કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતા 10 મજૂરો દટાયા હતા. જેમાંથી એક 18 વર્ષના યુવકનો બચાવ થયો હતો. જ્યારે નવ મજૂરો અંદર જ દટાઈ ગયા હતા. જે તમામના મૃતદેહને રેસ્ક્યૂ કરી બહાર કાઢી કડીની કુંડાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં બે સગા ભાઈ અને બે વર્ષ પહેલા લગ્ન કરેલા પતિ-પત્ની બે મહિના પહેલા મજુરીએ આવ્યા હતા તેમનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તથા CM ભૂપેન્દ્ર પટેલે મૃતકનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે.
પતિ-પત્ની, બે સગા ભાઈઓ સહિત નવ લોકોના મોત
- આશીષ (મૂળ રહે. કાળીમહુડી, તાલુકો-ઝાલોદ)
- આયુષીબેન આશિષભાઈ (મૂળ રહે. કાળીમહુડી, તાલુકો-ઝાલોદ)
- મુકેશ કમોળ (મૂળ રહે. ખરસાણા, તાલુકો-ઝાલોદ)
- શૈલેષ બારીયા (મૂળ રહે. સાખલીયા, તાલુકો-ઝાલોદ)
- રાજુ મેઢા (મૂળ રહે.રામપરા, તાલુકો-લીમખેડા)
- અરવિંદ બારીયા (મૂળ રહે.ઝાલોદ)
- ગંગાબેન કમલેશ કટારા (મૂળ રહે. તરકીયા, જિ-બાસવાડા, રાજસ્થાન)
- જગન્નાથ બારીયા (મૂળ રહે. ગોયકા, સજનગઢ, રાજસ્થાન)
- મહેન્દ્રભાઈ બારીયા (મૂળ રહે. ગોયકા, સજનગઢ, રાજસ્થાન)
બે સગા ભાઈ અને પતિ-પત્ની મોતને ભેટ્યા કડીમાં માટીની ભેખડ ધસી પડવાની ઘટનામાં બે સગા ભાઈ અને પતિ-પત્ની મોતને ભેટ્યા હતા. જેમાં ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામના આશિષભાઈ અને તેમની પત્ની આયુષીબેનનું કરુણ મોત થયું હતું. બંનેના લગ્ન બે વર્ષ અગાઉ થયા હતા. જેઓ આશરે બે મહિના અગાઉ મજૂરી અર્થે કડી ગામે ગયા હતા. જ્યારે આ ઉપરાંત રાજસ્થનાના જગન્નાથ બારીયા અને મહેન્દ્રભાઈ બારીયા નામના બે સગા ભાઈઓના પણ કરુણ મોત નીપજ્યાં હતા. જ્યારે મૃતક મૂકેશ માનસીંગ કામોળ (અંદાજીત ઉં.વ.35) ઝાલોદ તાલુકાના ખરસાણા ગામનો રહેવાસી હતો. જેણે 15 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ બીજા લગ્ન બે વર્ષ અગાઉ કર્યા હતા. થોડા સમય પહેલાં તે કડી ગામે પોતાની નાની પત્ની અને બાળક સાથે મજૂરી કામ અર્થે ગયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. જ્યારે પત્ની અને બાળક સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટના અંગે DDO, હસરત જાસ્મીને જણાવ્યું હતું કે, દીવાલના ચણતરનું કામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન ભેખડ ધસી પડતાં 10 લોકો નીચે દટાયા હતા. જેમાંથી 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જે 7 પુરુષ અને 2 મહિલાના છે. યાદી પ્રમાણે રેસ્ક્યૂ કામગીરી કરીને દટાયેલા 10 લોકોની યાદી ચકાસીને તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે એકનો જીવ બચી ગયો છે. જ્યારે આ અંગે એસ.પી. તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે, કડીના એક ગામમાં એક નવી કંપનીનું કનસ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન એક ભેખડ ધસી પડતાં ઘણા બધા મજૂરો દટાયા હતા. તમામના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.