વડોદરા બાદ વધુ એક ગેંગરેપ : માંગરોળના બોરસરામાં નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી, ગ્રામજનોએ પીડિતાને હોસ્પિટલ પહોંચાડી

નવરાત્રિમાં દેવીસ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?. આ સવાલ આજે દરેક ગુજરાતી પૂછી રહ્યો છે. બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતાં ગુજરાતમાં આક્રોશ છે. માંગરોળના બોરસરાં ગામે વડોદરા પેટર્નથી 3 નરાધમે પહેલા સગીરાના મિત્રને માર મારીને ભગાડી મૂક્યો, બાદમાં એક બાદ એક સગીરાને પીંખી. પીડિતાના મિત્રએ જાણ કરતાં ગ્રામજનોએ પહોંચી અર્ધનગ્ન હાલતમાં સગીરાને હોસ્પિટલ પહોંચાડી હતી. આ નરાધમો દુષ્કર્મ બાદ પીડિતા અને તેના મિત્રનો મોબાઇલ પણ લઇ ગયા હતા. ઘટના બાદ પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી લીધી છે.

સામૂહિક દુષ્કર્મ મામલે માહિતી આપતા સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરાં ગામની સીમમાં ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે 3 શખસ અચાનક આવી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરેલાનું અને દુષ્કર્મના પ્રયાસ કરવાની જાણ થતાં જ કોસંબાની પોલીસ ટીમ, સુરત ગ્રામ્ય Dy.SP, LCB, SOG, પેરોલ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ રેન્જ IG અને SPએ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની માહિતી મેળવી હતી. આ બનાવની તપાસ માટે 10થી વધારે ટીમ કામે લાગી છે. પોલીસે સગીરા સાથે હાજર યુવકને ઘટનાસ્થળે લઈ જઈને જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે.

આ ઘટના ખૂબ જ સંવેદનશીલ હતી એટલે તમામ ટીમો મોડી રાત્રીથી જ કાર્યરત છે અને પોલીસ આ ઘટનામાં સઘન તપાસ કરી રહી છે. આ ઘટનામાં પીડિતા તેમજ તેના મિત્રને કોઈ ઈજા પહોંચી નથી, સામાન્ય બે-ત્રણ થપ્પડ મારી હોવાનું જાણવા મળ્યું છે. પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે તેમજ નવા જે કાયદા છે BNS અને BNSS પ્રમાણે આ ઘટનામાં પોલીસ ખૂબ જ સંવેદનશીલતાથી અને ખૂબ જ ઝડપથી આ ગુનો ઉકેલાય તેમજ આમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને કડકમાં કડકમાં સજા થાય એ દિશામાં કાર્યવાહી કરી રહી છે.

પીડિતા અને તેના મિત્રનો મોબાઈલ પણ નરાધમો લઈ ગયા કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા BNSની સેક્શન 70(2), 115(2), સેક્શન 54, સેક્શન 309(4) જેમાં લૂંટનો પણ સમાવેશ થાય છે કારણે કે પીડિતા તેમજ તેના મિત્રના મોબાઈલ ફોન પણ આ 3 નરાધમો લઈ ગયા છે. 352, 351(3) આ તમામ BNSની કલમો તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોસંબા પોલીસ ઈન્સપેક્ટર આ કેસમાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર છે, તેમજ અલાયદી ટીમની રચના કરવામાં આવી છે. જેમાં Dy.SP આર.આર. સરવૈયા, કામરેજ ડિવીઝનના LCB PI, SOG PI, પેરોલ PI, AHTU PIની એક ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે.

પીડિતાના કહેવા પ્રમાણે વારંવાર એકપછી એક ત્રણેય આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા જ્યાં અભ્યાસ કરતી હતી ત્યાંથી અહીં કીમ તેના મિત્રને મળવા આવી હતી અને રાત્રે 10:30 વાગ્યે અન્ય બે મિત્રો સાથે આઈસક્રીમ ખાઈને પેટ્રોલ પુરાવવાનું હોવાથી મોટા બોરસરાંના રસ્તે હાઈવે પરના પેટ્રોલપંપ પર બંને જઈ રહ્યા હતા. તે દરમિયાન વચ્ચે રસ્તા પર ખેતરમાં તેઓ થોડો સમય બેઠાં હતા. ત્યારે આ શખસોએ ત્યાં પહોંચી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસને શંકાસ્પદ બાઈક મળી છે પોલીસ આ ઘટનામાં ગઈકાલે રાત્રિથી જ સઘન તપાસ કરી રહી છે. પોલીસને શંકાસ્પદ બાઈક મળી છે તેના આધારે 2 આરોપીની ઓળખ પણ કરી લીધી છે. આ 2 આરોપી પકડાઈ જવાથી ત્રીજા આરોપીની ઓળખ અને તેને પણ પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

આ બનાવ જ્યારે બન્યો ત્યારે શરૂઆતમાં ત્રણેય આરોપીઓએ બળાત્કાર કરવાનો પ્રયાસ કરતા મિત્ર સાથે સગીરાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેનો મિત્ર સફળ થાય છે અને સગીરા ત્યાં જ રહી જાય છે. મિત્રએ ત્યાંથી નજીકમાં રહેનારા માછીમારીને મળી તેમજ ગામલોકોને મળી ઘટનાની જાણ કરી હતી. ગામના યુવકોએ લગભગ 20-25 મિનિટમાં સગીરાને શોધી પોલીસને જાણ કરી હતી.

આ ખૂબ જ દુખદ અને સંવેદનશીલ ઘટના છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે તમામ પ્રકારની તપાસ કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં BNSની સેક્શન 72 લગાડી છે જેમાં આજીવન કેદની સજાની જોગવાઈ છે. શક્ય તેટલી ઝડપમાં પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરશે.